મહારાષ્ટ્ર રાજ્યાના બ્રાંડ એમ્બેસડર તરીકે નિયુક્ત થયેલાં અમિતાભ બચ્ચન હવે વાઘ બચાવવાની ઝુંબેશમાં દેખાશે. વાઘની ઘટતી જતી વસતિને બચાવવા માટે તેઓ લોકોને અપીલ કરતા જોવા મળશે. તેમણે આ માટેનું શૂટિંગ પણ શરૂ કર્યું છે.
૭૨ વર્ષીય અમિતાભે ગત સપ્તાહે કેટલાક પ્રધાનો અને રાજકારણીઓ સાથે મુંબઇના સંજય ગાંધી નેશનલ પાર્કમાં જંગલ સફારીનો આનંદ પણ લીધો હતો. એ સમયે તેઓ બોલ્યા કે, ‘વાઘ બચાવવા અને તેમની સલામતી માટે હું સફળ થઇશ તો જ બ્રાંડ એમ્બેસડર તરીકે હું મારી જાતને લાયક માનીશ. જો મારો ચહેરો અને અવાજ આ પહેલ માટે કંઇ સારું કરી શકે તો હું મારી જાતને ધન્ય માનીશ.’તેમણે કહ્યું હતું કે ‘હું મુંબઇમાં ઘણા લાંબા સમયથી રહું છું. પરંતુ સફારીમાં મને જે તસવીરો જોવા મળી છે તે અગાઉ ક્યારેય જોઇ નથી. આ જ બાબતો મને કામ કરવાની પ્રેરણા આપે છે. શહેરના મધ્યમાં એક નેશનલ પાર્ક છે જે એક ચમત્કાર છે.’