અમેરિકાના લોસ એન્જલસની એક કોર્ટે શીખ વિરોધીના તોફાનોના મામલે અમિતાભ બચ્ચનને નોટિસ મોકલી છે. એક શીખ સંસ્થાના જણાવ્યા પ્રમાણે માનવાધિકાર ઉલ્લંઘનના એક કેસમાં ગત સપ્તાહે અમિતાભ બચ્ચનના હોલિવૂડ મેનેજરને નોટિસ આપવામાં આવી.
ન્યૂ યોર્કસ્થિત સંસ્થા શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એ બચ્ચન વિરુદ્ધ કેસ કર્યો છે. એસએફજેનો આક્ષેપ છે કે, ૧૯૮૪ના શીખ વિરોધી તોફાનોમાં અમિતાભ બચ્ચને ‘ખૂનના બદલામાં ખૂન’ જેવા નારા લગાવી હિંસા ભડકાવી હતી. અમિતાભ બચ્ચને આ આક્ષેપોને ખોટા જણાવ્યા છે.
બચ્ચનના મેનેજર ડેવિડ એ ઉંગરને ૨૩ ફેબ્રુઆરીએ નોટિસ અને એસએફજેની ફરિયાદની નકલ સોંપવામાં આવી. અમિતાભ બચ્ચનની પાસે નોટિસનો જવાબ આપવા માટે ૨૧ દિવસનો સમય છે.
એસએફજેના કાયદાકીય સલાહકાર ગુરુપતવંત સિંહ પન્નૂએ કહ્યું કે, ‘જો બચાવ પક્ષ ૧૭ માર્ચ સુધી જવાબ આપવામાં નિષ્ફળ રહેશે તો અમે કોર્ટને અપીલ કરીશું કે બચ્ચન વિરુદ્ધ હિંસા ભડકાવવાના મુદ્દે ચુકાદો આપે.’
હજુ સુધી એસએફજે ઘણા ભારતીયો વિરુદ્ધ માનવાધિકાર હનનના કેસ કરી ચૂક્યું છે. તેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પણ સામેલ છે. જોકે, તેમને કોઈ કેસમાં સફળતા મળી નથી.