આણંદ: ફિલ્મફેર દ્વારા ભારતનું ગૌરવ દર્શાવતી ૧૦ બોલિવૂડ ફિલ્મની ભલામણ કરવામાં આવી છે. જેમાં અમૂલ દ્વારા નિર્મિત ફિલ્મ ‘મંથન’નો સમાવેશ કરાયો છે. ‘મંથન’ ફિલ્મમાં ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વ હેઠળ દૂધ ઉત્પાદકો દ્વારા શરૂ થયેલી સહકારી ચળવળ અને એન્જિનિયર ડો. વર્ગીસ કુરિયનના સહયોગથી આવેલી શ્વેતક્રાંતિની વાત રજૂ કરવામાં આવી છે. અમૂલ ફેડરેશનના એમડી ડો. આર. એસ. સોઢીએ જણાવ્યું કે, અમૂલ નિર્મિત ‘મંથન’ ફિલ્મનો ભારતનું ગૌરવ દર્શાવતી ૧૦ ફિલ્મમાં સમાવેશ થયો એ ખુશીની વાત છે.
આપણે આપણા દેશની સિદ્ધિઓ પર વધારે ગર્વ નથી લેતા એ દુઃખદ બાબત છે પણ સાચી છે. પશ્ચિમી માન્યતાઓ અને ફેશન પાછળની દોડમાં આપણા મૂલ્યો અને પરંપરાઓ વિસરાઈ રહી છે. ત્યારે કેટલાક ફિલ્મ નિર્માતાઓને ખ્યાલ આવી ગયો છે કે માધ્યમનો ઉપયોગ ભારતની સંસ્કૃતિ, મૂલ્યો, વારસો અને સિદ્ધિઓમાં ગૌરવની ભાવના પેદા કરવા માટે થઈ શકે છે. જેના પગલે વર્ષો પછી આવી ૧૦ ફિલ્મ્સની સૂચિ રજૂ કરવામાં આવી, જેમાં અમૂલ નિર્મિત મંથન ફિલ્મનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ‘મંથન’ ફિલ્મનું નિર્માણ ગુજરાતના દૂધ ઉત્પાદકો દ્વારા કરવામાં આવ્યું હતું. દૂધ સહકારી મંડળીઓની સ્થાપના અને ઓપરેશન ફ્લડના અમલીકરણમાં કેટકેટલી માનવતા ભરેલી ઊર્મિઓ અને વાર્તાઓ વણાયેલી હોય તેના ઉપર એ ફિલ્મ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ફિલ્મમેકર તરીકે શ્યામ બેનેગલની પસંદગી કરવામાં આવી હતી. શ્યામ બેનેગલે અત્યંત ક્ષમતા ધરાવતી અને વ્યવસાય દૃષ્ટિ રાખતાં લોકોની ટીમ તૈયાર કરી. નાટ્યલેખક વિજય તેંડુલકરે ગુજરાતના ગામડામાં રહી, ફરી ફરીને સંશોધન કરીને વાર્તા લખી હતી, જેમાં ગામોના ખેડૂતોની આપવિતીનું પ્રતિબિંબ રજૂ થતું હતું.
ગુજરાતના વિવિધ ભાગોમાં ફિલ્મનું શૂટિંગ થયું અને નવ મહિનામાં ફિલ્મ પૂરી કરાઈ હતી. ફિલ્મ બનાવવા નાણાંનો પ્રશ્ન થયો ત્યારે દરેક દૂધ ઉત્પાદકે એક - એક રૂપિયાનું પ્રદાન કર્યું અને ફિલ્મ માટે ભંડોળ જમા કરાયું હતું. ભારત ભરની સહકારી મંડળીઓમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ‘મંથન’ ફિલ્મમાં સહકારી સંરચનામાં આર્થિક અને સામાજિક લાભોનો સંદેશ વધુ તીવ્રતા અને પ્રભાવતા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૭૬માં ‘મંથન’ ફિલ્મ માટે અમૂલને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ ફિચર ફિલ્મ ઈન હિન્દી અને વિજય તેંડુલકરને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ સ્ક્રિનપ્લે આપવામાં આવ્યો હતો.