લાસ વેગાસના નાવેડામાં ૧૦ સપ્ટેમ્બરને ‘અનુપમ ખેર ડે’ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ટેક્સાસ રાજ્યનું માનદ નાગરિકત્વ પણ તેમને એનાયત થયું છે.
સિનેરસિકોને ગુણવત્તાયુક્ત મનોરંજન પૂરું પાડવા બદલ, ૬૦ વર્ષીય ચરિત્ર અભિનેતા અનુપમ ખેરને નાવેડાના સેનેટર રૂબેન કિહુન દ્વારા સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યું હતું. ૧૦ સપ્ટેમ્બરને અનુપમ ખેર ડે, જાહેર કરતા રૂબેને કહ્યું હતું કે, ‘લાસ વેગાસ અને અમેરિકાના અન્ય શહેરોમાં પણ આવું અસાધારણ મનોરંજન લાવવા બદલ તમારો આભાર. આવા સિનેમાના પ્રતિભાશાળી કલાકારોને મંચ પર જીવંત મળવાનો અને જોવાનો લહાવો મળ્યો એ એક સન્માની વાત છે.’
અગાઉ ઓગસ્ટમાં પણ અમેરિકાના ટેક્સાસ શહેરનું માનદ નાગરિકત્વ અનુપમ ખેરને આપવામાં આવ્યું હતું અને ત્યાં સાત ઓગસ્ટને અનુપમ ખેર ડે જાહેર કરવામાં આવ્યો છે.
અનુપમના ‘મેરા મતલબ વો નહીં થા’ નાટકને અમેરિકાના ૨૦ શહેરોમાં તેમ જ કેનેડામાં ખૂબ પ્રસિદ્ધિ મળી છે. આ અંગે અનુપમે કહ્યું હતું કે, આ સન્માનથી તે ખૂબ જ રોમાંચિત છે. અને ત્યાં તેને શું ખુશી મળી તેનું વર્ણન કરવું જ શક્ય નથી. તેણે આશા વ્યક્ત કરી હતી કે આવું જ વિશ્વના અન્ય શહેરોમાં પણ બને અને મારા વિચારો સાચા પડે કે, ‘લાઇફ મેં કુછ ભી હો સકતા હૈ’ ખેર સાન ફ્રાન્સિસકો જઈ રહ્યા છે. આવતા સપ્તાહે તેઓ ભારત પરત પહોંચશે.