સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાને મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે મુંબઈમાં લગ્ન કર્યા છે. મલાઈકા સાથે ડાઈવોર્સ બાદ અરબાઝ અને મોડેલ જ્યોર્જિયા એન્ડ્રિયાની વચ્ચે લાંબો સમય સંબંધો રહ્યા હતા. જ્યોર્જિયા સાથે બ્રેકઅપ બાદ અરબાઝે શુરા ખાન સાથે સાદગીપૂર્ણ સમારંભમાં લગ્ન કર્યા છે. આ પ્રસંગે દીકરા અરહાન ખાને ગિટાર વગાડી નવદંપતીને શુભેચ્છા આપી હતી.
અરબાઝ અને શુરાના લગ્ન સાથે સલમાન ખાનના પરિવારમાં લાંબા સમય બાદ ખુશીનો અવસર આવ્યો છે. સલીમ ખાનના દીકરાઓ પૈકી અરબાઝ અને સોહેલ ખાનના લગ્ન થયેલા હતા. અરબાઝ અને મલાઈકાએ અગાઉ છૂટાછેડા લીધા હતા અને તાજેતરમાં સોહેલ-સીમા સજદેવ છૂટા પડ્યા છે. દરમિયાન બહેન અર્પિતા અને આયુષ શર્માના લગ્ન યોજાયા હતા. જોકે સલમાનની જેમ અન્ય બંને ભાઈઓ પણ સિંગલ થઈ ગયા હતા.
અરબાઝ ખાને 56 વર્ષની ઉંમરે શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા અને 24મી ડિસેમ્બરે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. આ પ્રસંગે નિકટના પરિવારજનો અને મિત્રોને આમંત્રણ અપાયુ હતું. અર્પિતા અને આયુષે આ પ્રસંગના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. સલીમ ખાન સહિત સમગ્ર ખાન પરિવારે લગ્નમાં હાજરી આપી હતી. ફરાહ ખાન અને સંજય કપૂર-માહિ કપૂરે અરબાઝ-શુરાને શુભેચ્છા આપી હતી. બોલિવૂડના સિંગર હર્ષદીપ કૌરે લગ્ન પ્રસંગે પરફોર્મ કર્યું હતું. હર્ષદીપ અને તેના પતિએ સલમાન ખાન સાથેનો ફોટોગ્રાફ્સ શેર કર્યો હતો. રવિના ટંડને દીકરી રાશા સાથે હાજરી આપી હતી. આ પ્રસંગે અરબાઝ-મલાઈકાના દીકરા અરહાને સૌનું ધ્યાન ખેંચ્યુ હતું. અરહાને લગ્નને યાદગાર બનાવતા ગિટાર વગાડીને શુભેચ્છા આપી હતી.