મેંગલુરુઃ આંધ્ર પ્રદેશના ૨૯ વર્ષના યુવાન સંગીતકુમારે એવો દાવો કર્યો છે કે અભિનેત્રી ઐશ્વર્યા રાય તેની જૈવિક માતા છે. તેણે મિસ વર્લ્ડનો તાજ જીત્યાનાં છ વર્ષ પહેલાં મને જન્મ આપ્યો હતો. જોકે, સંગીતકુમાર પાસે તેનો દાવો સાબિત કરવા માટેના કોઈ કાયદાકીય દસ્તાવેજો નથી. ડિસેમ્બરના અંતમાં મેંગ્લુરુમાં મીડિયા સાથે વાત કરતાં સંગીતકુમારે જણાવ્યું હતું કે ઐશ્વર્યા માત્ર ૧૫ વર્ષની હતી ત્યારે વર્ષ ૧૯૮૮માં લંડનમાં આઈવીએફ દ્વારા મને જન્મ આપ્યો હતો. હું ત્રણ વર્ષનો હતો ત્યારથી ૨૯ વર્ષનો થયો ત્યાં સુધી ચુડાવરમમાં મારો ઊછેર થયો હતો. હું બે વર્ષનો થયો ત્યાં સુધી મારાં નાની બ્રિન્દા કૃષ્ણરાજ રાયના પરિવાર સાથે રહ્યો હતો. મારા નાના કૃષ્ણરાજ રાયનું એપ્રિલ ૨૦૧૭માં નિધન થયું હતું અને મારા મામાનું નામ આદિત્ય રાય છે.
મારી માતાએ ૨૦૦૭માં ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યાં હતાં. હું ઈચ્છું છું કે મારી માતા મારી સાથે મેંગ્લુરુમાં રહે. મારા પરિવારથી હું ૨૭ વર્ષથી અલગ થઈ ગયો છું. મને તેમની ખૂબ જ ખોટ સાલે છે. હું હવે વિશાખાપટ્ટનમ મારા પિતા પાસે પાછો જવા માગતો નથી. મારી પાસે મારી માતાનો નંબર પણ નથી એટલે તેમનો સંપર્ક પણ કરી શકતો નથી. મારા વતનમાં લોકો મને ખૂબ જ ધિક્કારે છે. મારા સંબંધીઓએ બાળપણથી મારા દસ્તાવેજો સાથે ચેડાં કર્યાં છે. બાકી હું સ્પષ્ટ માહિતી સાથે મારી માતાને મારી પાસે લાવી શક્યો હોત. જરૂરી કાયદાકીય દસ્તાવેજોના અભાવે હું મારી માતાને મારી પાસે લાવી શકતો નથી. હું માત્ર એટલું ઈચ્છું છું કે મારી માતા મારી સાથે રહે.
સેલિબ્રિટીઝ સાથે જૈવિક સંબંધના દાવા
ભારતમાં પ્રખ્યાત હસ્તીઓ સાથે જૈવિક સંબંધ હોવાના દાવાનું પ્રમાણ તાજેતરમાં વધી ગયું છે. ભારતમાં આ પ્રકારનો સૌપ્રથમ દાવો રાહુલ નામના યુવાને કર્યો હતો. તેણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા એન. ડી. તિવારી તેમના જૈવિક પિતા હોવાનો દાવો કર્યો હતો અને કોર્ટમાં કેસ કરી તે સાબિત પણ કર્યું હતું. જોકે, તાજેતરમાં એક યુગલે તમિલ સુપર સ્ટાર ધનુષ તેમનો પુત્ર હોવાનો દાવો કરતાં કોર્ટમાં કેસ કર્યો હતો. પરંતુ ધનુષ હાઈકોર્ટમાં આ કેસ જીતી ગયો હતો. હવે આંધ્રના યુવાન સંગીતકુમારે ઐશ્વર્યા તેની માતા હોવાનો દાવો કર્યો છે.