ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે મનમેળ થઈ રહ્યો હોવાના વધુ એક પુરાવારૂપે બંનેએ બહુ લાંબા અરસા પછી એક પ્રસંગમાં સાથે આપી હતી. મુંબઈમાં એક મેરેજ રિસેપ્શનમાં બંને સાથે હાજર રહ્યાં હતાં. ઐશ્વર્યાએ આ પ્રસંગે અભિષેક સાથે લીધેલી સેલ્ફી પણ વાયરલ થઈ છે. આ રિસેપ્શનમાં સચિન તેંડુલકર સહિત અન્ય હસ્તીઓ પણ હાજર હતી. નેવુંના દાયકાની અભિનેત્રી આયેશા ઝુલ્કા તથા અન્યોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. તેમાં ઐશ્વર્યાનાં માતા વૃંદા રાય પણ સાથે દેખાય છે. ઐશ્વર્યા અને અભિષેકે તેમના વસ્ત્રોમાં ટ્વિનિંગ કર્યાનું પણ જણાય છે. છેલ્લા લાંબા સમયથી આ સેલિબ્રિટી કપલના સંબંધો અંગે અનેક અટકળો થઇ રહી હતી.
બહુ લાંબા સમય પછી ઐશ્વર્યા અને અભિષેક કોઈ જાહેર પ્રસંગમાં સાથે જોવાં મળ્યાં છે. આ અગાઉ તેમણે 16મી નવેમ્બરે દીકરી આરાધ્યાનો બર્થ ડે પણ બહુ ધૂમધામથી ઉજવ્યો હોવાની તસવીરો વાયરલ થઈ હતી. આ બર્થ ડેની ઉજવણી અને હવે બંનેની સામાજિક પ્રસંગે એકસાથે હાજરી બાદ તેમના છૂટાછેડાની અફવાઓ શાંત પડે તેવી ધારણા છે.