મ્યુઝિક કંપોઝર એ. આર. રહેમાન અને તેમનાં પત્ની સાયરાએ તાજતરમાં જ છૂટાં થવાનો નિર્ણય જાહેર કર્યો છે. 29 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડાના સમાચારને કારણે સોશિયલ મીડિયા યૂઝર્સ રહેમાન વિશે જાત જાતની વાર્તા બનાવી રહ્યા છે. બન્નેએ સંયુક્ત નિવેદનમાં આ જાહેરાત કરવાની સાથે સાથે લખ્યું હતું કે એકમેકની સંમતિ સાથે કોઇ મનદુખ કે વિખવાદ વગર છૂટા પડવાનો આ નિર્ણય કર્યો છે. છતાં સોશિયલ મીડિયા પર રહેમાનને નિશાન બનાવીને ચિત્રવિચિત્ર ટિપ્પણી થઇ રહી હોવાથી સાયરા ગુસ્સે થઈ છે અને તેણે રહેમાનને દુનિયાનો સૌથી સારો માણસ ગણાવ્યો છે. તેણે છૂટાં પડવાનું કારણ આપતાં એમ પણ કહ્યું કે અમે બંને એકબીજાંને ખૂબ પ્રેમ કરીએ છીએ.
વાત એમ છે કે જે દિવસે રહેમાન-સાયરા છૂટાં થઈ રહ્યાં હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા તેની થોડાક જ કલાકો પછી રહેમાનની ટીમનાં ગિટારિસ્ટ મોહિની ડેએ પણ પતિથી અલગ થવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લોકો રહેમાન અને મોહિની ડેને જોડતી અટકળો કરવા લાગ્યા હતા. છેવટે સાયરાએ રિએક્ટ કરતાં લખ્યું હતું કે તેની તબિયત સારી નથી અને તે ઇલાજ માટે મુંબઈમાં છે. આ કારણે એ.આર.થી બ્રેક લઈ રહી છે. હું યૂટ્યૂબર્સ અને તમિલ મીડિયાને વિનંતી કરું છું કે રહેમાન વિશે કશું ખરાબ ન કહે. એ.આર. અને મોહિનીના લિંકઅપ વિશે વાત કરતાં સાયરાએ એ.આર.ને દુનિયાના સૌથી સારા માણસ કહીને જણાવ્યું હતું કે ‘હું મારા જીવન કરતાં તેમના પર વધારે વિશ્વાસ કરું છું. અમે બંને એકબીજાંને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું તમને વિનંતી કરું છું કે તેમના પર ખોટા આરોપ કરવાનું બંધ કરો. તેમની છબિ ખરાબ કરવાનું બંધ કરો.
બીજી તરફ, રહેમાને પણ તેને બદનામ કરનારા સામે આકરું વલણ અપનાવ્યું છે. રહેમાનનું નામ મોહિની ડે સાથે જોડીને સોશિયલ મીડિયા પર તે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થવા લાગતાં રહેમાને પોતાને બદનામ કરનારાઓ સામે લીગલ નોટિસ ઇશ્યૂ કરી છે. રહેમાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર એક મોટી પોસ્ટ મૂકીને પોતાના અને મોહિની ડેના કથિત અફેરવાળા વીડિયો પોસ્ટ હટાવવા કહ્યું છે.