આયુષ્યમાન ખુરાનાની ફિલ્મોની પસંદગી ખૂબ અલગ રહે છે. જોકે તે દરેક ફિલ્મની પસંદગી પહેલા યશરાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાએ આપેલી સલાહને યાદ રાખે છે. વર્ષ ૨૦૧૨માં આવેલી ‘વિકી ડોનર’થી આયુષ્માને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. યશરાજની ‘દમ લગા કે હઈશા’માં તેના કામના ખૂબ વખાણ થયા હતા. આ અલગ અલગ રોલ અને ફિલ્મને લઈને આયુષ્માનને પ્રેશર રહે છે? આ સવાલનો જવાબ આયુષ્માને આપ્યો કે, આ આમ તો સારી વાત છે. ચાર વર્ષ પહેલાં આદિત્ય ચોપરાએ કહ્યું હતું કે મારે એવી ફિલ્મો કરવી જોઈએ જેમાં દર્શકો મારી પાસેથી કોઈ આશા રાખી શકે. તેઓ જ્યારે મને જુએ ત્યારે તેમને સારું કન્ટેન્ટ મળવું જોઈએ એવી તેમણે સલાહ આપી હતી. મને ખુશી છે કે હું એ સિદ્ધિ મેળવી શક્યો છું. એનાથી મને મારી પસંદગીના વિષયો પસંદ કરવાની હિંમત મળે છે. ‘આર્ટિકલ ૧૫’ એવી જ એક ફિલ્મ છે. એક પછી એક ચાર હિટ ફિલ્મો આપ્યા બાદ ‘આર્ટિકલ ૧૫’ કરવાની મારામાં હિંમત આવી હતી. જે કમર્શિયલથી ઘણી હટકે છે. જોકે અગાઉ કહ્યું તેમ ‘અંધાધૂન’ કે અન્ય ફિલ્મોની પસંદગી માટે હું આદિત્ય ચોપરાની સલાહ યાદ કરું છું.