અનેક હિન્દી ફિલ્મોમાં લાંબા સમય સુધી યાદગાર સંગીત પિરસનાર લોકપ્રિય સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ (૫૧)નું બ્લડકેન્સરને કારણે ૪૫ દિવસ સુધી ઝઝૂમ્યા પછી ૫ સપ્ટેમ્બરે નિધન થયું હતું. યોગાનુયોગ ૪ સપ્ટેમ્બરે તો તેમનો જન્મદિન પણ હતો. આદેશ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપવા ફિલ્મકારો અને તેમના હજારો ચાહકો મુંબઇસ્થિત નિવાસસ્થાને ઊમટી પડ્યા હતા. જેમાં અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, સોનુ નિગમ, પંડિત જસરાજ સહિત સમાવેશ થાય છે. બોલિવૂડમાંથી આદેશનાં પત્ની વિજયેતા, પુત્રો અનિવેશ અને અવિતેશને આશ્વાસન આપવામાં આવ્યું હતું, વર્ષોથી આદેશની સાથે જ રહેલો સોનુ નિગમ સદ્ગતના નશ્વર દેહને અંજલિ આપતાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો. આદેશના સાળા લલિત પંડિતે તેમના બનેવીને અંજલિ અર્પી હતી. કુણાલ ગાંજાવાલા, સુનિધિ ચૌહાણ, અલ્કા યાજ્ઞિક, અભિજિત સાવંત વગેરે સંગીતજ્ઞોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે હાથો મેં આ ગયા જો, ક્યા અદા ક્યા જલવે તેરે પારો, સોના સોના, શાવા શાવા, સુનો ના સુનો ના..., ચલી ચલી ફિર ચલી ચલી વગેરે યાદગાર ગીતો આપ્યા છે.