ઉદયપુરઃ ભારતના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ મુકેશ ધીરુભાઈ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશાના લગ્ન બારમી ડિસેમ્બરના રોજ યોજાયા, પરંતુ એ પહેલાં ઈશા અને આનંદ પિરામલની સંગીત સેરેમનીથી લઈને અનેક રીતરિવાજો ઉદયપુરમાં શાહી ઠાઠથી થઈ હતી. આઠમી ડિસેમ્બરથી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. અંબાણી પરિવારના આ પ્રસંગે દેશવિદેશમાંથી વિવિધ ક્ષેત્રની હસ્તીઓ સહિત બોલિવૂડ પણ ઉમટી પડ્યું હતું. ઈશા આનંદની પ્રી-વેડિંગ સેરેમનીમાં ૯૨ જેટલાં ચાર્ટર્ડ પ્લેનમાં ૧૮૦૦ જેટલા મહેમાનો ઉદયપુર પહોંચ્યા હતા. મોટાભાગના મહેમાનો ચાર્ટર્ડ પ્લેનમાં આવ્યા હતા તો કેટલાક રૂટિન ૪૪ ફલાઇટમાં આવ્યા હતા. પરિણામે ઉદયપુર એરપોર્ટ વ્યસ્ત થઇ ગયું હતું. કેટલાક મહેમાનો ૩૫ ચાર્ટર્ડ ફલાઇટમાં પરત ગયા હતા તો અન્ય મહેમાનો પાંચ ચાર્ટર્ડ ફલાઇટથી અહીં આવ્યા હતા.
અમેરિકાના પૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન ઉપરાંત બ્રિટિશ પેટ્રોલિયમના વડા બોબ ડુડલી, જે પી મોર્ગનના વડા નિકોલસ એગ્યુઝિન પણ ઈશા - આનંદની પ્રી વેડિંગ સેરેમનીમાં ઉદયપુર આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત સમારંભમાં ફિલ્મ સ્ટાર શાહરુખ ખાન, સલમાન ખાન, આમીર ખાન, આમીરનાં પત્ની કિરણ રાવ, નવપરણિત પ્રિયંકા અને નિક જોનાસ, દીપિકા અને રણવીર સિંઘ, અભિષેક અને ઐશ્વર્યા બચ્ચન, સિદ્ધાર્થ રોય કપૂર અને તેની પત્ની વિદ્યા બાલન, ક્રિકેટર સચિન અને તેની પત્ની અંજલિ તેંડુલકર, ઉદ્યોગપતિ એલ. એન. મિત્તલ અને અન્ય ૧૮૦૦ મહેમાનોનો સમાવેશ થતો હતો. લગ્નના પ્રિ-વેડિંગ કાર્યક્રમમાં હોલિવૂડની ગ્રેમી એવોર્ડ વિજેતા સ્ટાર સિંગર બિયોન્સ ઉદયપુર આવી હતી. પ્રિ-વેડિંગ સમારંભમાં લેક સિટીમાં તેણે લોકોને ઝુમાવ્યા હતા.
‘ઈશાને આનંદમાં હું દેખાઉં છું’
આ પ્રસંગમાં બોલિવૂડ ફિલ્મસર્જક કરણ જોહરે જ્યારે નંબર વન બિઝનેસમેનને જમાઈ આનંદ પિરામલના સિક્રેટ અંગે પૂછયું તો મુકેશ અંબાણીએ કહ્યું, એક સિક્રેટ વાત મોટેથી કહું છું કે, ઇશાને આનંદમાં હું દેખાઉ છું અને મને પણ એવું લાગે છે.
ગુજરાતી દર્શન રાવલનું પરફોર્મન્સ
સેરેમનીમાં અંબાણી અને પિરામલ પરિવારે શાહરુખ ખાન સાથે સમૂહમાં ડાન્સ કર્યો હતો. ગુજરાતી સિંગર દર્શન રાવલે જ્યારે ગુજરાતી પોપ્યુલર ગીત ‘છોગાળા તારા’ ગાયું ત્યારે દીપિકા પદુકોણ સહિત સૌ ઝૂમી ઉઠ્યા હતા. રવિવારે ઉદયપુરના પેલેસમાં યોજાયેલા આ સંગીત ફંકશનમાં આનંદ અને ઈશાનો બહુ જ રોમેન્ટિક ડાન્સ સોશિયલ મીડિયા પર વાઈરલ પણ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આનંદ ઈશાને ઊંચકી લેતો અને કિસ કરતો દેખાય છે. મસ્તી મોજ સાથે સાથે અંબાણી અને પિરામલ પરિવાર દ્વારા સેવા અને ચેરિટીના કાર્યો પણ ઉદયપુરમાં કર્યાં હતાં.
લેક સિટી, હોટલની અંદર મહેમાનો માટે એક ખાસ સ્વદેશી બજાર ઊભું કરાયું હતું. જેમાં ૧૦૮ પરંપરાગત કારીગરો અને કળાકારો હાજર હતા. રાજસ્થાન સહિત દેશના અન્ય પ્રદેશોમાંથી પણ હસ્તકળાના કારીગરોને બોલાવવામાં આવ્યા હતા જેમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. મહેમાનો માટે જ બનાવવામાં આવેલા બજારમાં ૩૦ પ્રકારની પેઇન્ટિંગ્સ ઉપલબ્ધ હતા.
મહેમાનોએ ખરીદેલી વસ્તુની રકમ ચેરિટીમાં
રવિવારે સેરેમનીના અંતિમ દિને હોલિવૂડની સિંગર – એક્ટેસ બિયોન્સના ૬૦ ડાન્સર્સ સાથેના ધમાકેદાર પરફોર્મન્સ પછી કાર્નિવલનું આયોજન કરાયું હતું. આ મેળામાં વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં જ્વેલરી, બેંગલ્સ, ફૂટવેર સહિત જયપુરનાં ઘરેણાં, હેન્ડિક્રાફ્ટ વસ્તુઓ હતી. મહેમાનોએ ભરપૂર ખરીદી કરી. તેમાંથી ઉપજેલી રકમ ચેરિટીમાં ખર્ચાશે.
વિશેષ અન્ન સેવા
પુત્રીના લગ્ન માટે આશીર્વાદ પામવા અંબાણી પરિવારે ઉદયપુરમાં નારાયણ સેવા સંસ્થાનમાં વિશેષ અન્ન સેવા કરી હતી. અંબાણી પરિવારજનોએ ૭થી ૧૦ ડિસેમ્બર દરમિયાન સેવા અંતર્ગત ૫૧૦૦ લોકો વિશેષ કરીને દિવ્યાંગોને દરરોજ ત્રણ વખત ભોજન કરાવીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.