વિખ્યાત ગાયક કલાકાર મોહમ્મદ રફીના લોકપ્રિય ગીતોને સ્ટેજ પર રજૂ કરી જાણીતા ગાયક કલાકાર કૌશિક પૂંજાણીએ યુકેના શ્રોતાઅોને ગીત સંગીતનું ઘેલુ લગાડ્યું છે. શ્રી જતીનકુમારના માર્ગદર્શન હેઠળ ગીતો ગાવાની શરૂઆત કરી તેમણે પ્રથમ શો 'કીપ અલાઇવ'ના ૨૦૦૭માં રજૂ કર્યો હતો.
મૂળ જામનગરના વતની અને ઇસ્ટ આફ્રિકાના બરૂન્ડીમાં જન્મેલા કૌશિકભાઇએ શાહીન ખાન, સુલેખ રૂપારેલ, સુનિલ જાધવ, નારાયણ અને મિતેલ પુરોહિતના માર્ગદર્શન અને સાઈ રામ આયર તથા સંજય ઠકરારની પ્રેરણા સાથે સૌ પ્રથમ સોલો શો 'મોહમ્મદ રફી સિંગ્સ ફોર શંકર જયકિશન'નું આયોજન કર્યું હતું.
ઘણા વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા અને યુરો એક્ઝીમ બેન્કના મેનેજર તરીકે સેવા આપતા કૌશિકભાઇએ અનન્ય થીમ સાથે "રફી વન્સ મોર, ગોલ્ડન વોઇસીસ ઓફ બૉલીવુડ, રિધમ કિંગ્સ, કુમાર અને કપૂર્સ, ઓ રે માઝી, પુરબ સે પશ્ચિમ, એક દિલ સો અફસાને"ના નામથી એક પછી એક સફળ શો રજૂ કર્યા હતા અને હજ્જારો પાઉન્ડ એકત્ર કરીને યુકે અને વિદેશની સખાવતી સંસ્થાઅોને આપ્યા હતા. તેઅોના કાર્યક્રમો યુરો એક્ઝીમ બેન્ક દ્વારા સ્પોન્સર કરાય છે.
ગ્રેટ અોરમન્ડ સ્ટ્રીટ હોસ્પિટલના લાભાર્થે આગામી તા. ૧૪ના રોજ તેમનો શો 'આઅો ટ્વીસ્ટ કરે' લંડનના કેડોગન હોલમાં રજૂ થનાર છે. વધુ માહિતી માટે સંપર્ક: 07944 986 893.