બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ક્લોઝ ફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ડેટિંગ કરી રહ્યો છે. 46 વર્ષની ગૌરી છ વર્ષના સંતાનની માતા છે. 60 વર્ષના આમિર ખાને 14 માર્ચે પોતાના જન્મદિન પ્રસંગે મીડિયા સાથે વાતચીતમાં ગૌરી સાથેના સંબંધોનો એકરાર કર્યો છે. મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરતા આમિરે કહ્યું હતું કે, તે અને ગૌરી એક વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે. તે ગૌરીને છેલ્લા 25 વર્ષથી ઓળખે છે. આમિરે પોતાના પરિવારજનો ઉ૫રાંત સલમાન ખાન અને શાહરુખ ખાન સાથે પણ ગૌરીની મુલાકાત કરાવી છે. ગૌરી બેંગલૂરુમાં રહે છે અને આમિર ખાનના પ્રોડક્શન હાઉસમાં જ કામ કરે છે.
જીવનમાં નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહેલા આમિરે કહ્યું હતું કે, પરિવારના સભ્યો આ સંબંધોથી ખુશ છે. આમિર ખાને પોતે આ રિલેશનશિપમાં કમિટેડ હોવાનું અને ખુશ હોવાનું કહ્યું હતું. ગૌરીએ આમિરની દરેક ફિલ્મ જોયેલી નથી. ‘લગાન’ અને ‘દંગલ’ જેવી કેટલીક ફિલ્મો જ ગૌરીએ જોઈ છે અને તે આમિરથી ખૂબ પ્રભાવિત છે. આમિર ખાને પોતાના અંગે ગૌરીનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે, ગૌરીએ વાતચીત દરમિયાન કહ્યું હતું કે, દુનિયા ભલે આમિરને સુપરસ્ટાર માને, પરંતુ આ પ્રકારના વિશેષણોમાં તેને વિશ્વાસ નથી. બોલિવૂડ સ્ટાર્સ માટેની આ દિવાનગી હજુ ગૌરીને સમજાતી નથી. આમિરે પોતાના બર્થ-ડે પર સલમાન ખાન અને શાહરુખ ખાનને ડિનર માટે બોલાવ્યા હતા. આ પ્રસંગે આમિરે અન્ય બન્ને ખાન સાથે ગૌરીની મુલાકાત કરાવી હતી. ગૌરીના પિતા આઈરિશ છે, જ્યારે માતા તમિલિયન છે. આમિરે પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. જેનાથી તેમને બે બાળકો છેઃ જુનૈદ અને ઈરા. જ્યારે બીજા લગ્ન કિરણ રાવ સાથે કર્યા હતા. તેમને આ લગ્નથી એક પુત્ર છે, આઝાદ. જુલાઈ 2021માં આમિર અને કિરણ છૂટા પડયા હતા. આમિર હવે ટૂંક સમયમાં ત્રીજા લગ્નની તારીખ જાહેર કરે તેવી શક્યતા છે.