અત્યાર સુધી માંસાહાર આરોગનારા આમિર ખાને જાહેર કર્યું હતું કે તેણે હવે માત્ર શાકાહાર લેવાનું શરૂ કર્યું છે. તેણે તાજેતરમાં પ્રદર્શિત થયેલી પોતાની ‘પીકે’ ફિલ્મની ડીવીડી લોંચ કરતી વખતે મીડિયાને જણાવ્યું હતું કે તે હવે હું ચુસ્ત શાકાહારી બની ગયો છે. તેણે પત્રકારોને કહ્યું કે, ‘એવું કેમ થયું એ મહત્ત્વનું નથી. એવો સવાલ પણ તમે નહીં કરતા. મહત્ત્વની વાત એ છે કે મેં માંસાહાર છોડી દીધો છે. ગઇ કાલ સુધી મેં ચીકન-મટન, ફિશ અને ઇંડાં માણ્યાં હતાં. હવે રાતોરાત એ બધું છોડી દીધું છે,’ એમ એણે ભારપૂર્વક કહ્યું હતું.
આમિરે ખુલાસો કરતા કહ્યું કે, ‘મારી પત્ની કિરણે મને એક વીડિયો ફિલ્મ બતાવી હતી જેમાં એવું સમજાવાયું હતું કે માંસાહારથી ઓછામાં ઓછા પંદર રોગો થઇ શકે છે, જેમાંના કેટલાક જીવલેણ સાબિત થઇ શકે છે. એ પછી મેં માંસાહાર છોડવાનો નિર્ણય કર્યો હતો.’
તેણે ઉમેર્યું હતું કે, ‘મેં દૂધ, માખણ અને પનીર ઉપરાંત દૂધથી બનતી મીઠાઇઓ પણ છોડી દીધી છે. જો કે મને દહીંનો વિરહ ખૂબ સાલશે. દહીં વિના મારું ભોજન કદી પૂરું થતું નથી.’