‘વેનસડે’, ‘સ્પેશિયલ ૨૬’, ‘બેબી’ અને ‘એમ એસ ધોની’ના દિગ્દર્શક નીરજ પાંડે દિગ્દર્શિત ફિલ્મ ‘અય્યારી’ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. અતિ નામાંકિત સ્ટાર્સ કે ગ્લેમરસ ફિલ્મો નહીં બનાવનારા નીરજની આ ફિલ્મ પણ જરા હટકે છે જેમાં મનોજ બાજપાયી અને સિદ્ધાર્થ મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે.
‘અય્યારી’ આમ તો ૨૬મી જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ અન્ય ફિલ્મો સાથે ટકરાવ ન થાય તે માટે ‘અય્યારી’ ૧૬મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. ૯મી ફેબ્રુઆરીએ આર બાલકીની ફિલ્મ ‘પેડમેન’ રિલીઝ થવાથી આ ફિલ્મ એ પછીના સપ્તાહે ૧૬મીએ રિલીઝ કરાઈ છે.
વાર્તા રે વાર્તા
આ ફિલ્મ કર્નલ અભય સિંહ (મનોજ બાજપાયી) અને મેજર જય બક્ષી (સિદ્ધાર્થ મલ્હોત્રા) વચ્ચેની ટસલ અને અણબનાવની છે. આ બંને ભારતીય આર્મીના અફસરો છે. જય અચાનક દિલ્હીથી ગાયબ થવાની તક શોધતો હોય છે. તો બીજી તરફ અભય જે જયનો ગુરુ છે તે ચોંકી જાય છે કે જય ભારતીય સેનાનો વિશ્વાસઘાત કેમ કરી રહ્યો છે. આ કહાની દિલ્હીથી લઈને કાશ્મીર, લંડન સુધી જાય છે. ફિલ્મના કેટલાક મુખ્ય મુદ્દા પર લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દેશહિત અને દેશદ્રોહના મુદ્દા પરથી બનેલી આ ફિલ્મનો અંત દિલધડક છે.
સબળ પાસાં
ફિલ્મની રિલીઝ પહેલાં ફિલ્મના ક્રૂ પાસેથી જાણવા મળ્યું હતું કે, આ ફિલ્મ માટે ઘણો અભ્યાસ કરાયો હતો અને નીરજ પાંડે દ્વારા સાચી ઘટનાઓ પર આધારિત મુદ્દાઓને ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે. ફિલ્મ બનાવવા માટેનો અભ્યાસ ફિલ્મમાં દેખાય પણ છે. ફિલ્મનાં ડિરેક્શન, લોકેશન, સિનેમેટોગ્રાફી અને કેમેરાવર્ક સારા છે. ફિલ્મમાં રિયલ લોકેશનના કારણે ફિલ્મ દર્શકોને જકડી રાખે છે. ફિલ્મના મુખ્ય પાત્રો મનોજ બાજપાયી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો અભિનય દમદાર છે. ફિલ્મમાં જય (સિદ્ધાર્થ મલ્હોત્રા)ની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં સોનિયા (રકુલ પ્રિત) જોવા મળી રહી છે. આ રકુલ પ્રીત સહિત અનુપમ ખેર, નસીરુદ્દીન શાહ, આદિલ હુસૈન, કુમુદ મિશ્રાનો અભિનય પણ સારો છે.