લોકો ભલે માનતા હોય છે કે સેલિબ્રિટી તેમના આઉટફિટ રિપીટ કરતાં નથી, પરંતુ આલિયા બધાથી અલગ છે. તે ઘણી વખત કહી ચૂકી છે કે મારા વોર્ડ રોબમાં 365 દિવસની અલગ અલગ ઇવેન્ટ્સના કપડાં ન હોઈ શકે. તેથી કપડાં રિપીટ કરવામાં કશું જ ખોટું નથી. તેણે પોતાના લગ્નની સાડી કે અન્ય આઉટફિટ પણ એકથી વધુ વખત રિપીટ કર્યા જ છે. તાજેતરમાં પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી રહેલી આલિયાની તસવીરો વાયરલ થઈ હતી, જેમાં તેણે ગોલ્ડન યલો કલરની સાડી પહેરી હતી. તેમજ રણબીર અને રાહાએ પણ ગોલ્ડન યલો કલરના કુર્તા પહેર્યા હતા. આલિયાની સ્ટાઇલિસ્ટ અમી પટેલે આ યલો સાડી પર અંગે જણાવ્યું હતું કે આ એક કસ્ટમ સાડી હતી, જે સસ્ટેનિબિલિટી સાથે વારસા અને હસ્તકળાના મિશ્રણનું એક ઉત્તમ ઉદાહરણ છે. આલિયાની આ સિલ્ક ઓર્ગેન્ઝા સાડી મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં ચઢાવાયેલાં ગલગોટાના ફૂલના અર્કમાંથી ડાઈ કરાઇ હતી. આ વાત દર્શાવવા માટે આલિયાએ પોતાની હેરસ્ટાઇલમાં યલો મેરિગોલ્ડ લગાવ્યાં હતાં. તાજેતરમાં જ આલિયાને વારસા અને સસ્ટેનિબિલિટીને મોર્ડન ટચ આપવા બદલ વોગ ઇન્ડિયા દ્વારા ક્રાફ્ટ રીવાઇવલ એવોર્ડ પણ અપાયો હતો. આલિયાની સાડીમાં દર્શાવાયેલી બનારસી પેનલ્સ ભારતના સમૃદ્ધ હસ્તકળાના વારસાને દર્શાવતી હતી.
આલિયાની જેમ જ સોનમ કપૂરે પણ દિવાળી પર્વે ઇકોફ્રેન્ડલી લૂક અપનાવ્યો હતો. તે અબુ જાની-સંદીપ ખોસલાની દિવાળી પાર્ટીમાં ‘સીના’ નામના ખાસ ડ્રેસમાં જોવા મળી. તેની બહેન રિયા કપૂરે તેના આ ડ્રેસની તસવીરો ખાસ વિગતો સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમ કે, સોનમના આ ડ્રેસમાં સીના એટલે કે કાપડ પર પહેરવાનું ખાસ બખ્તર પ્રકારનું એક આભૂષણ. આ સીના તૈયાર કરવા કર્ણાટકની લાલ મુલતાની માટીનો ઉપયોગ થયો હતો. સાથે તેણે આ ટોપ સાથે અબુ જાની-સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલો ટેરાકોટા ખાદીનો ચણિયો અને દુધકો પહેર્યો હતો. આ પ્રકારની ફેશનને અપનાવવા માટે સોનમના વખાણ થાય એટલા ઓછા. રિયાએ લખ્યું, ‘સિના’ એ આભુષણ કે વસ્ત્ર તરીકે કેવા નવા પ્રકારના મટીરિયલનો ઉપયોગ થઈ શકે તેનું એક નવું સ્વરૂપ છે. બેંગ્લૂરુના એક સ્થાનિક સ્ટુડિયો દ્વારા આ આ પીસ બનાવાયો છે. જે કોઠી બનાવવાની પ્રથાને પુનર્જિવીત કરે છે. સાથે સાથે જ ધરતી સાથે જોડાયેલા તત્વજ્ઞાન અને પરંપરાને પણ દર્શાવતો હતો. સોનમે આ તસવીરો શેર કરતાં લખ્યું હતું, ‘આ કપડાં ભૂમિ - જમીન જ્યાંથી આપણે આવીએ છીએ, આપણી અંદરની શક્તિ કે જે આપણને ગૌરવ અપાવે છે, તેની સાથેના સંબંધની ઉજવણી છે. આ માત્ર કપડાંથી કશુંક વિશેષ છે. આ ક્રાંતિનું પ્રતિક છે અને આપણી અંદરના દેવ અને દેવીની ઉજવણી છે. આ કાવ્યાત્મક આભુષણ પહેરીને હું ગૌરવ અને ધન્યતા સાથે દિવાળીની પરંપરા સાથે અનોખું જોડાણ અનુભવું છું.’