હિન્દી ફિલ્મોનાં મશહૂર ગાયિકા આશા ભોસલેની બાયોગ્રાફી ‘સ્વરસ્વામિની આશા’ શુક્રવારે મુંબઈમાં સંઘ પરિવારના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં લોન્ચ થઈ હતી. આ પ્રસંગે આશા ભોસલેના ભાઈ હૃદયનાથ મંગેશકર, જેકી શ્રોફ, સોનુ નિગમ અને આશાતાઈની પૌત્રી જનાઈ ભોસલે પણ હાજર રહી હતી. સોનુએ સમારોહ દરમિયાન આશા ભોસલેના ચરણ ધોયા હતા. તે પહેલાં તેણે આશાતાઈ માટે થોડા શબ્દો પણ કહ્યા હતા. જેકી શ્રોફે પણ આશા ભોસલેને ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા. સોનુ નિગમ કપાળે તિલક સાથે પીળા રંગના કુર્તા અને સફેદ પાયજામામાં સજ્જ થઈને પહોંચ્યો હતો. તેણે આશા ભોસલેને સંબોધતા કહ્યું હતું કે, ‘દેવી મા, પ્રણામ. આજે તો શીખવાના ઘણા સ્ત્રોત છે પણ જ્યારે શીખવા માટે કંઈ નહોતું ત્યારે લતાજી અને આશાજી હતા. તેમણે પૂરી દુનિયાને ગાતા શીખવ્યું છે. હું સનાતમ ધર્મ તરફથી તમને સન્માન આપવા ઈચ્છીશ.’ આટલું કહ્યા બાદ તેણે આશા ભોસલેના ચરણ ધોઈને સન્માન આપ્યું હતું. મોહન ભાગવતે જણાવ્યું હતું કે મંગેશકર પરિવાર સંગીતભક્તિની સાથોસાથ દેશભક્તિનો પણ મેસેજ આપે છે. સંગીતનો ઉદ્દેશ માત્ર મનોરંજન નથી પણ તેનો પ્રભાવ સમાજ માટે લાભકારી હોવો જોઈએ.