‘સિંબા’માં પોલીસમેન બન્યા બાદ રણવીર સિંહ ગુજરાતી જયેશભાઈના પાત્રમાં દેખાશે. ‘જયેશભાઈ જોરદાર’નું શૂટિંગ ગુજરાતના ઈડરમાં જ થઈ રહ્યું છે. ઇડરિયાગઢમાં શૂટિંગ કર્યા બાદ રણવીરે ઈડરના ટાવર વિસ્તારમાં પણ શૂટિંગ કર્યું હતું ત્યારે લોકોનાં ટોળા શૂટિંગ જોવા માટે ઉમટી પડયા હતા. હિટ ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઇશ’ના હીરો દિવ્યાંગ ઠક્કર ‘જયેશભાઈ જોરદાર’ના ડિરેક્ટર છે. દિવ્યાંગે અભિનેતા તરીકે અગાઉ ગુજરાતીમાં અભિષેક જૈન નિર્દેશિત ‘કેવી રીતે જઇશ’ અને ‘બે યાર’ જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. ‘જયેશભાઇ જોરદાર’ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે શાલિની પાંડે છે. જે અગાઉ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’માં હતી. ફિલ્મમાં રણવીરના પિતાની ભૂમિકામાં બોમન ઇરાની છે. યશરાજ પ્રોડક્શન્સ હેઠળ બની રહેલી આ ફિલ્મમાં અમિત ત્રિવેદીનું સંગીત છે.