અભિનેતા વિક્રાંત મેસીને ગોવામાં યોજાયેલા 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇંડિયા (આઈએફએફઆઈ)ના ભવ્ય સમાપન સમારંભમાં પ્રતિષ્ઠિત ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરાયો હતો. વિક્રાંત મેસ્સીને સિનેમામાં અસાધારણ પ્રદાન બદલ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુના હસ્તે આ એવોર્ડ એનાયત થયો હતો. વિક્રાંત મેસ્સીએ આ એવોર્ડ સ્વીકારતા કહ્યું હતું કે ‘આ મારા માટે ખરેખર ખાસ ક્ષણ છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને આવું સન્માન મળશે. જીવનમાં ઉતાર-ચડાવ આવતા હોય છે, પરંતુ મારા પાત્રએ ફિલ્મ બારહવી ફેઈલમાં જેમ કર્યું હતું એમ આપણે હંમેશાં નવેસરથી શરૂઆત કરવા માટે તૈયાર રહેવું જોઈએ.’ તેણે વધુમાં ઉમેર્યું હતું, ‘હું એક વાર્તાકાર છું જે મને સામાન્ય લોકોનો અવાજ બનવા દે છે, તમારી જાતને, તમારી વાર્તાઓ અને તમારા મૂળને સ્વીકારો, પછી ભલે તમે જ્યાંથી આવ્યા હો. ભારતીય ફિલ્મ ઉદ્યોગ સૌથી અદ્ભુત ઉદ્યોગોમાંનો એક છે અને તેનો ભાગ બનવું ખૂબ જ શાનદાર છે.’
વિક્રાંત મેસ્સીની ફિલ્મોગ્રાફીમાં ‘દિલ ધડકને દો’ (2015), ‘અ ડેથ ઇન ધ ગંજ‘ (2016), ‘લિપસ્ટિક અંડર માય બુરખા’ (2016), ‘હાફ ગર્લફ્રેન્ડ’ (2017), ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ (2019), ‘ગિન્ની વેડ્સ સની’ (2020) અને સાયન્સ ફિક્શન ફિલ્મ ‘કાર્ગો’ (2020) જેવા નોંધપાત્ર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું ગોવામાં ગુરુવારે સમાપન થયું. જેમાં આ વર્ષે 75 દેશોની 200 ફિલ્મ દર્શાવાઈ હતી.
તેના અન્ય વિજેતાઓમાં લિક્વેનિયન ભાષાની ફિલ્મ ‘ટોક્સિક’ને બેસ્ટ ફિલ્મનો ગોલ્ડન પિકોક એવોર્ડ જ્યારે ‘ટોક્સિક’ની એક્ટ્રેસ વેસ્તા મેટ્યુલિટ અને ઈવા રૂપિનકાઈટને બેસ્ટ એક્ટ્રેસનો, ‘હોલિ કાઉ’ માટે ક્લીમેન્ટ ફેવોને બેસ્ટ એક્ટરનો, ‘ધ ન્યુ યર ધેટ નેવર કેમ’ માટે બોગડેન મુરેસાને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ, ‘હોલિ કાઉ’ માટે લૂઈસ કર્વોઝરને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ, ‘હુ ડુ આઈ બિલોંગ ટુ’ માટે એડમ બેસાને બેસ્ટ એક્ટર તરીકે સ્પેશિયલ મેન્શન, મરાઠી ભાષાની ‘લંપણ’ને બેસ્ટ વેબ સિરીઝ એવોર્ડ તેમજ ‘ફેમિલિઅર ટચ’ માટે સારા ફ્રિડલેન્ડને બેસ્ટ ડેબ્યુટન્ટ ફીચર ફિલ્મ ડિરેક્ટરનો એવોર્ડ અપાયો હતો.