ઈઝરાયલ અને પેલેસ્ટાઈન યુદ્ધ ફાટી નીકળ્યું છે તેવા સમયે જ નુસરત ભરુચા ઈઝરાયલમાં ફસાઈ ગઈ હતી. થોડા સમય માટે તો તેનો કોઈ સંપર્ક નહીં થતાં સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આખરે રવિવારે તે મુંબઈ એરપોર્ટ પર હેમખેમ પાછી આવી પહોંચી હતી. સ્વદેશ પહોંચતાં જ તે એકદમ ભાવુક થઈ ગઈ હતી. હાઈફા ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે નુસરત ઈઝરાયલ ગઈ હતી, પરંતુ આ જ અરસામાં ત્યાં ભીષણ યુદ્ધ શરૂ થઈ જતાં તે ફસાઈ હતી. નુસરત ઈઝરાયલમાં ફસાઈ હોવાના અહેવાલો શનિવાર રાતથી વહેતા થયા હતા. નુસરતની ટીમે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળતાં સૌની ચિંતા વધારે ઘેરી બની હતી. બાદમાં ટીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમારો નુસરત સાથે સંપર્ક થયો છે. તેને ભારતીય એમ્બેસીની મદદથી સલામત રીતે સ્વદેશ લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. નુસરત એક બેઝમેન્ટમાં જતી રહી હોવાથી તેની સાથે સંપર્ક થઈ શક્યો ન હતો. છેવટે રવિવારે નુસરત મુંબઈ એરપોર્ટ પહોંચી ગઈ હતી. એરપોર્ટ પર તેનો વીડિયો વાયરલ થયો હતો. તેની આંખોમાં તેણે જોયેલા માહોલનો ડર સ્પષ્ટ નજરે પડતો હતો અને તે એકદમ રડમસ થઇ ગઇ હતી. નુસરતે ભારત પરત ફરવામાં મદદરૂપ થવા બદલ ભારતીય દૂતાવાસનો આભાર માન્યો હતો. યોગાનુયોગ એ છે કે નુસરતે તેની પાછલી ફિલ્મ ‘અકેલી’માં વોરઝોનમાં ફસાયેલી એક યુવતીનો જ રોલ કર્યો હતો.