આમિર ખાનની દીકરી ઈરા સેલિબ્રિટીસ ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરે સાથે લગ્નબંધને બંધાઇ છે. મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં એ ત્રીજી જાન્યુઆરીએ યોજાયેલા લગ્ન સમારોહમાં આમીર ખાનની બન્ને પૂર્વ પત્નીઓ રીના દત્તા તથા કિરણ રાવ અને પરિવારના નજીકના સભ્યોએ હાજરી આપી હતી. આ પૂર્વે મહારાષ્ટ્રીયન સ્ટાઈલમાં હલ્દી અને મહેંદી સેરેમની યોજાઇ હતી. ઈરાએ નૂપૂર સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતાં. મુંબઈના દરિયાકિનારા નજીક આવેલી હોટેલ તાજ લેન્ડ્સ એન્ડમાં અદાજિત 500 મહેમાનોની હાજરીમાં આ ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. બાંદ્રા બેન્ડ સ્ટેન્ડમાં આવેલી આ હોટેલમાં પ્રિયંકા ચોપરાનું પણ રિસેપ્શન યોજાયું હતું.
વરરાજા જોગિંગ કરીને પહોંચ્યા
મુંબઈમાં યોજાયેલા રજિસ્ટર્ડ મેરેજ ફંક્શનમાં વરરાજા નૂપુર દોડતો દોડતો જ લગ્નસ્થળે પહોંચ્યો હતો અને જિમ વિયરમાં જ ડોક્યુમેન્ટ્સ પર સહી કરી હતી. નૂપુર શિખરે લગ્ન સ્થળ સુધી પહોંચવા માટે ઘરેથી 8 કિમી સુધી જોગિંગ કરીને પહોંચ્યો હતો. આમિરની દીકરી ઈરા ખાનના આઉટફિટ વિશે વાત કરીએ ઈરા ટ્રેડિશનલ ઈન્ડિયન વેડિંગ આઉટફિટમાં જોવા મળી હતી. ઈરા ખાનના લગ્નની બહાર આવેલી તસવીરોમાં પિંક કલરની શેરવાનીમાં આમિર ખાન જયારે તેની પૂર્વ પત્નીઓ મહારાષ્ટ્રીયન સાડીમાં જોવા મળી હતી. હવે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે બે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરાશે તેવા અહેવાલ છે.
‘નો-ગિફ્ટ પોલિસી’
છેલ્લા કેટલાંક બોલિવૂડ સેલિબ્રિટીઝના ગ્રાન્ડ વેડિંગ ફંક્શનમાં ‘નો-ગિફટ પોલિસી’ લાગુ કરીને મહેમાનોને ખાલી હાથે જ લગ્નના સાક્ષી બનવા માટે આમંત્રિત કરાય છે. પરિણીતિ અને રાઘવ ચટ્ટાના લગ્ન બાદ ઈરા ખાને પણ પોતાના વેડિંગમાં નો ગિફટ પોલીસ કોન્સેપ્ટ અમલમાં મૂક્યો હતો. આયરા અને નૂપુરની આ નીતિ પાછળ એક સુંદર પહેલ છે. તેમનું કહેવું છે કે ગિફટના બદલે મહેમાનો તેમના એનજીઓને દાન આપી શકે છે. આમિર ખાનની લાડકી આયરા ખાને ભેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે જો મહેમાનો ભેટ દ્વારા આશીર્વાદ આપવા માંગતા હોય, તો તેમણે કોઈ પણ ભેટને બદલે અગાત્સુ ફાઉન્ડેશનને દાન આપવું જોઈએ.