એ આર રહેમાનને જાપાનનું ટોચનું સાંસ્કૃતિક પારિતોષિક

Tuesday 31st May 2016 07:23 EDT
 
 

નવી દિલ્હીઃ સંગીતકાર એ આર રહેમાનને જાપાનનો સર્વોચ્ચ ગ્રાન્ડ ફુકુઓકા પ્રાઈઝ ૨૦૧૬ એનાયત કરાશે. એશિયન મ્યુઝિકને વિશ્વમાં લઈ જવાના તેમના પ્રયાસને બિરદાવવા આ એવોર્ડ અપાશે. આ એવોર્ડના ભાગરૂપે રહેમાનને ‘ફ્રોમ ધ હાર્ટ: ધ વર્લ્ડ ઓફ એ આર રહેમાન’ મ્યુઝિક વિષય પર લેક્ચર આપવા માટે આમંત્રણ અપાયું છે. ૪૯ વર્ષના સંગીતકાર સાથે ફિલિપાઈન્સના ઈતિહાસકાર એમેથ આર ઓકેમ્પોને એકેડેમિક પ્રાઈઝ અને પાકિસ્તાનના યાસ્મીન લારીને આર્ટ્સ અને કલ્ચર માટેનો ફુકુઓકા પ્રાઈઝ અપાશે.

આ એવોર્ડ ૧૯૯૦માં ફુકુઓકા સિટી દ્વારા શરૂ કરાયો હતો. એશિયામાં કળા અને સંસ્કૃતિનો ફેલાવો કરતા વ્યક્તિ કે સંસ્થા માટે આ એવોર્ડ અપાય છે. રહેમાને ફિલ્મમાં સંગીત આપવાની શરૂઆત મણિરત્નમની ફિલ્મ ‘રોઝા’થી કરી હતી. તેમને સૌથી મોટો બ્રેક રામ ગોપાલ વર્માના ફિલ્મ ‘રંગીલા’થી મળ્યો હતો. ‘બોમ્બે’, ‘દિલ સે’, ‘તાલ’, ‘લગાન’, ‘રંગ દે બસંતી’, ‘દિલ્હી સિક્સ’, ‘રોકસ્ટાર’, ‘હાઈ વે’ અને ‘તમાશા’માં પણ તેમણે સંગીત આપ્યું છે. ડેની બોયલના ‘સ્લમ ડોગ મિલિયોનેર’માં ‘જય હો’ નામની ધૂન બનાવવા માટે તેમને બે ઓસ્કર અને એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડથી નવાજાયેલા છે. ફુકુઓકા એવોર્ડ અગાઉ પંડિત રવિશંકર, પદ્મા સુબ્રમણ્યમ, રોમિલા થાપર, અમજદ અલી ખાન, આશિષ નંદી, પાર્થા ચેટરજી, વંદના શિવા, નલિની માલિની અને રામચંદ્ર ગુહાને એનાયત કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter