એક પ્રતિભાશાળી કલાકારની અણધારી એક્ઝિટ

સુશાંત સિંહ રાજપૂત (૧૯૮૬-૨૦૨૦)

Wednesday 17th June 2020 06:47 EDT
 
 

મુંબઇઃ ‘છિછોરે’, ‘કેદારનાથ’ અને ‘એમ.એસ. ધોની’ જેવી ફિલ્મોના પાત્રો થકી આમ આદમીને જીવન સામે લડવાનો સંદેશ આપનાર પ્રતિભાશાળી યુવા અભિનેતા સુશાંત સિંહનો પાર્થિવ દેહ તો સોમવારે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો, પરંતુ તેણે આત્મહત્યાનું પગલું કેમ ભર્યું તે સવાલ અનુત્તર જ રહી ગયો છે. રવિવારે બાંદ્રાસ્થિત પોતાના જ ફ્લેટમાં ગળેફાંસો ખાઇ લેનાર ૩૪ વર્ષના સુશાંત સિંહને પિતા કે. કે. સિંહ અને બન્ને બહેનોએ વિલેપાર્લે સ્મશાનઘાટ ખાતે મુખાગ્નિ આપ્યો હતો.
છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનથી પીડાતા સુશાંત સિંહના મૃત્યુનું કારણ ગળેફાંસો જ હોવાનું ઓટોપ્સી રિપોર્ટમાં ખૂલ્યું છે. જોકે પરિવારજનો આ હકીકત સ્વીકારવા તૈયાર નથી. તેના પિતરાઇ ભાઇ અને ધારાસભ્ય નિરજ સિંહ સહિતના પરિવારજનોનો આરોપ છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી, પણ તેને આ માટે મજબૂર કરાયો છે. સ્વજનોનું કહેવું છે કે સુશાંતને કોઇ મુશ્કેલી નહોતી. તેની આર્થિક સ્થિતિ ઘણી સારી હતી.
આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં તેના લગ્ન થવાના હતા. પરિવારે તેની તૈયારીઓ પણ શરૂ કરી હતી. આ સ્થિતિમાં તે આત્મહત્યા કેવી રીતે કરી શકે? આ કેસ તપાસ માટે સીબીઆઇને સોંપાવો જોઇએ.
બીજી તરફ, એક યુવા સાથી કલાકારના અપમૃત્યુથી હતપ્રભ હિન્દી ફિલ્મઉદ્યોગમાં ચર્ચાનો વંટોળ ઉઠ્યો છે કે બોલિવૂડનો સગાવાદ આ અભિનેતાને જિંદગી ટૂંકાવવાના માર્ગે દોરી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ સુશાંત ડિપ્રેશનમાં રહેતો હતો અને છેલ્લા ૬ મહિનાથી તેની દવા પણ ચાલતી હતી.

સફળતાના એક મુકામ પર પહોંચ્યા પછી આત્મહત્યાનું પગલું ભરવા પાછળ નકકર કારણ હોવું જોઇએ. કદાંચ સુશાંતને મિત્રો હતા તેમ છતાં તે અંદરથી એકલો રહેતો હતો. તેના મનમાં ચાલતી અશાંતિ તેને આત્મહત્યા તરફ દોરી ગઇ હતી.

દરવાજો જ ના ખોલ્યો

સુશાંત સાથે આ ઘરમાં ચાર વ્યક્તિઓ રહેતી હતી. જેમાં તેના બે રસોયા, એક નોકર અને એક હાઉસકિપિંગ મેનેજર હતો. તેના નોકરે જણાવ્યું હતું કે, સુશાંત સવારે ૬.૩૦ના ઊઠયો હતો. તે સવારે ૧૦ વાગ્યે રૂમમાંથી બહાર આવ્યો હતો. નોકરે તેને દાડમનો જ્યુસ આપ્યો હતો જે ગ્લાસ લઇને તે પોતાના રૂમમાં જતો રહ્યો હતો. ૧૧.૩૦ વાગ્યે નોકરે તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સુશાંતે ક્યાંય સુધી દરવાજો ન ખોલતા. ચાવી વાળાને બોલાવીને દરવાજો ખોલાવ્યો હતો. દરવાજો ખોલતાં જ સુશાંતને જોઇને ત્યાં હાજર રહેલા લોકો હેબતાઇ ગયા હતા. તેણે પંખા સાથે લટકીને ગળેફાંસો ખાઇ લીધો હતો.

માતાનું વિશેષ સ્થાન

એન્જિનિયરીંગનો અભ્યાસ છોડીને અભિનય ક્ષેત્રે ઝંપલાવનાર સુશાંત સિંહ રાજપુતે ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાથી માંડીને ફિલ્મના મોટા પડદા સુધીની સફર ખેડી હતી અને ખૂબ સફળતા મેળવી હતી. જોકે ૧૮ વર્ષ પહેલા માતાનું અવસાન થયું તેને ક્યારેય ભૂલી શકયો ન હતો. માતાનું તેના જીવનમાં એક ખાસ સ્થાન હતું. તેને થોડાક દિવસ પહેલા જ ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ પોતાની માતાના નામે અપલોડ કરી હતી. ૩ જુનના રોજની પોસ્ટમાં સુશાંતે માતાની તસ્વીર સાથે લખ્યું હતું તેનો અનુવાદ કંઇક આવો છેઃ ધૂંધળો અતીત આંખોના આંસુથી ગાયબ થઇ રહ્યો છે. પુરા ન થયેલા સપનાઓ વધુ ખૂશીઓ લાવી રહ્યા છે. એમાં એક ઝડપથી પસાર થઇ જનારી જિંદગી આ બંને વચ્ચે સોદેબાજી કરી રહી છે, હેશટેગ માં.

સુશાંતે 'એમ.એસ. ધોની'થી લોકપ્રિયતા મેળવી

સુશાંતે ટચૂકડા પડદે 'પવિત્ર રિસ્તા' અને રૂપેરી પડદે 'એમ. એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'થી લોકપ્રિયતા મેળવી હતી. તેણે તેની ફિલ્મની આઠ વરસની કારકિર્દીમાં ૧૧ ફિલ્મો કરી હતી અને ૧૨મી હજી રિલીઝ થવાની બાકી છે. જેનું પોસ્ટ પ્રોડકશન કામ ચાલી રહ્યું છે. સુશાંતે ચાર ટીવી સિરિયલો અને એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું હતું. સુશાંતના નામ ટીવી સ્ટાર અંકિતા લોખંડે અને ફિલ્મ અભિનેત્રી ક્રિતિ સેનોન સાથે જોડાયા હતા. આમ પણ તેના પ્રેમ પ્રકરણો ઘણા હતા.

સુશાંત સિંહ રાજપુતઃ એક ઝલક

પોતાના શાનદાર અભિનયનાં જોરે ટીવીથી માંડીને ફિલ્મ જગત સુધી પોતાની અલગ જ છોડનારા ટેલેન્ટેડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતએ આત્મહત્યા કરી તે સમાચાર જાણીને સૌથી કોઇ ગમગીન છે, એક સફળ અભિનેતા સુશાંત સિંહ રાજપુત ઉત્તમ ડાન્સર અને ટીવી હોસ્ટ પણ હતાં. તેને ખગોળશાસ્ત્રમાં વિશેષ રસ હતો. અભિનય ક્ષેત્રે આગવી નામના મેળવી હતી અને એક ફિલ્મ માટે ૫થી ૭ કરોડ રૂપિયા લેતા હતાં, જ્યારે જાહેરાત માટે ૧ કરોડ રૂપિયા સુધી લેતા હતાં. તેમણે રિઅલ એસ્ટેટ પ્રોપર્ટીઝમાં પણ મુડીરોકાણ કર્યું હતું, તેમની કુલ સંપત્તી ૬૦ કરોડ રૂપિયાથી વધું હતી, તેમની ફિલ્મ એમ.એસ. ધોની ૨૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, સુશાંત સિંહ રાજપુતે ફિલ્મો, જાહેરાતો,અને ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી હતી.
બોલીવુડની બીજી સેલિબ્રિટિઝની જેમ સુશાંત સિંહ મુંબઇનાં પોશ વિસ્તારમાં આલિશાન ઘરમાં રહેતા હતાં, તેમને મોટરકારો અને બાઇક્સનો ઘણો શોખ હતો, તેમની પાસે કારોની આખી ફ્લીટ હતી, તેમાં મસેરાટી, ક્વાટરોપોર્તે, લેન્ડ રોવર એસયુવી, બીએમડબલ્યુંનાં ૧૩૦૦ આપ મોટર સાયકલ અને બીજી મોટરકારોનો સમાવેશ થાય છે, તેમની દરેક ફિલ્મ નવો રેકોર્ડ બનાવી રહી હતી, એ જ રીતે તેમની પ્રત્યેક ફિલ્મ માટેની ફી પણ વધી રહી હતી, બોલિવુડમાં આવતા પહેલા તેમણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું હતું. બિહારનાં પટણામાં ૨૧ જાન્યુઆરી ૧૯૮૬નાં રોજ જન્મેલા સુશાંત સિંહ રાજપુતે બોલિવુડમાં પોતાનાં એક્ટિંગ કેરિયરની શરૂઆત ૨૦૧૩થી શરૂ કરી હતી, તેમણે વર્ષ ૨૦૧૩ માં રિલિઝ થયેલી પહેલી ફિલ્મ કાઇ પો છેથી ઉત્કૃષ્ઠ અદાકાર તરીકેની ઓળખ મેળવી હતી. તે અભ્યાસમાં પણ ઘણા આગળ હતાં, તેમણે ફિઝિક્સનો નેશનલ ઓલંમ્પિયાડ પણ જીત્યો હતો, તેમણે એક્ટિંગ કેરિયરને આગળ વધારવા માટે એન્જીનિયરિંગનો ત્રણ વર્ષનો અભ્યાસ જ પુરો કર્યો હતો, તે દિલ્હી કોલેજ ઓફ એન્જીનિયરિંગથી અભ્યાસ કરી રહ્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter