ખૂબ જ જાણીતી ‘મહાભારત’ સીરિયલમાં યુધિષ્ઠિરના પાત્રથી લોકપ્રિય બનેલા ગજેન્દ્ર ચૌહાણને કેન્દ્ર સરકારે પૂણેની ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)ના ચેરમેન બનાવતાં વિવાદ સર્જાયો છે. એક આરટીઆઇ અરજીના જવાબમાં એવી માહિતી બહાર આવી છે કે, કેન્દ્ર સરકારે માત્ર એક ફકરાના બાયોડેટા પરથી જ ગજેન્દ્ર ચૌહાણને આ સંસ્થાના ચેરમેન પદે નિમણૂક આપી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફાઇલ પર થયેલી નોંધનો ખુલાસો કર્યો છે. તેમાં માત્ર એટલું જ લખ્યું હતું કે, ‘ગજેન્દ્ર ચોહાણ એક ઉત્તમ કોટીના અભિનેતા છે. તેઓ મુખ્યત્ત્વે મહાભારતમાં પાંડવોના સૌથી મોટાભાઈ ‘યુધિષ્ઠિર’ની ભૂમિકા બદલ ઓળખાય છે. તેઓ અંદાજે ૧૫૦ ફિલ્મો અને ૬૦૦ ટીવી સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે.’
ભાજપમાં જોડાયેલા ગજેન્દ્ર ચૌહાણની થોડા સમય અગાઉ જ એફટીઆઇઆઇના અધ્યક્ષપદે નિમણૂક થઈ હતી. આરટીઆઇ કાર્યકરે ગજેન્દ્ર ચૌહાણની શૈક્ષણિક અને વ્યાવસાયિક યોગ્યતાની માહિતી માગી હતી. તેના આધારે જ તેમને એફટીઆઇઆઇનું સુકાન સોંપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, સંસ્થાના વિદ્યાર્થીઓ તથા અનેક કલાકારો ગજેન્દ્ર ચૌહાણની નિયુક્તિનો વિરોધ કરે છે.