એક ફિલ્મના રૂ. પાંચ કરોડ વસૂલનારી શ્રીદેવીની કુલ સંપત્તિ રૂ. ૨૫૦ કરોડ

Saturday 03rd March 2018 06:35 EST
 
 

મુંબઈઃ શ્રીદેવી પોતાના સમયમાં દૌલત અને શૌહરતની ટોચ પર હતી ત્યારે તે સૌથી વધુ મહેનતાણું લેનારી કલાકાર હતી. તે પોતાની પાછળ અઢળક સંપત્તિ છોડી ગઇ છે. તેના ત્રણ-ત્રણ બંગલા હોવાની સાથે તે અનેક લકઝરી કારની માલિક છે.
૮૦ના દાયકામાં બોલિવૂડમાં રાજ કરનારી શ્રીદેવીની જાયદાદનો સરવાળો રૂ. ૨૪૭ કરોડ થતો હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તેની પાસે ડિઝાઇનર પરિધાન, મૂલ્યવાન એકસેસરીઝ અઢળક જથ્થામાં હોવાનું કહેવાય છે. તેને પરિવારજનો સાથે સફર કરવાનું બહુ પસંદ હતું. તે પોતાના અંગત જીવનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર મુકતી હતી. ૩૦૦ ફિલ્મોમાં કામ કરી ચુકેલી શ્રીદેવીએ પોતાની કમાણીમાંથી ત્રણ બંગલા ખરીદ્યા હતા, જેની હાલના બજારભાવ પ્રમાણે કુલ કિંમત રૂ. ૬૨ કરોડથી પણ વધુ આંકવામાં આવે છે. તેની પાસે ઓડી, પોર્શ સયેન, મસારેતી અને બેન્ટલે જેવી લકઝરી કારનો કાફલો હતો.
શ્રીદેવી હિન્દી ફિલ્મઉદ્યોગની પ્રથમ અભિનેત્રી હતી જેણે પોતાને માટે વેનિટી વેન બનાવડાવી હતી. તેણે એક ફિલ્મના શૂટિંગ વખતે આવી વેનિટી વેન જોઇ હતી. તે વેળા મુંબઇમાં તે એકમાત્ર વેનિટી વેન હતી. આ પછી શ્રીદેવીએ પોતાના માટે પણ વેનિટી વેન બનાવડાવી હતી.
શ્રીદેવીને બોલિવૂડની પ્રથમ સુપરસ્ટાર હિરોઇનનું બિરુદ મળ્યું હતું. ૧૯૮૫થી ૧૯૯૨ સુધી તે ફિલ્મજગતની સૌથી મોંઘી અભિનેત્રી કહેવાતી. તેની ફી એક કરોડ રૂપિયાના આંક સુધી પહોંચતી હતી. ૧૫ વર્ષ બાદ ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ ફિલ્મથી કમબેક કરનારી શ્રીદેવીએ આ પછી તેની ફી વધારીને રૂ. ૩.૫ કરોડથી પાંચ કરોડ સુધી પહોંચાડી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter