નવી દિલ્હીઃ એક્ટરની ફિલ્મમાં કે નાટકમાં એન્ટ્રી અને એક્ઝીટ તો જોરદાર જ હોવી જોઇએ એવું માનતા ગુજરાતી કલાકાર મુકેશ રાવલે અચાનક જ દુનિયામાંથી ‘એક્ઝિટ’ લઈ લીધી છે. પૌરાણિક કથા-વાર્તા સંબંધી શો ‘રામાયણ’માં વિભીષણના પાત્રની ભૂમિકા ભજવી પ્રખ્યાતિ મેળવનારા અભિનેતા મુકેશ રાવલ મુંબઈમાં ૧૫મી નવેમ્બરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પ્રારંભિક અહેવાલોમાં જણાવ્યા મુજબ પોલીસે મુકેશ રાવલનું મૃત્યુ આપઘાત ગણાવ્યો છે. તેમનો મૃતદેહ ૧૫મી નવેમ્બરે સવારે ૯-૩૦ વાગ્યે રેલવેના પાટા પરથી કબજે કરવામાં આવ્યો હતો. પરિવારજનોને ૧૫મીએ પોલીસ તરફથી તેમના મોત બાબતે માહિતી અપાઈ હતી. મુકેશ રાવલના પરિવારજનોના જણાવ્યા મુજબ મુકેશ રાવલ સવારે બેંકમાંથી નાણા ઉપાડ્યા બાદ ઘાટકોપર વિસ્તાર તરફના માર્ગે તેઓ ગયા હતા. તેમના નિકટના સંબંધી તેજલે મુકેશ રાવલના મૃત્યુ અંગે જણાવ્યું હતું કે લોકો ધારે છે કે મુકેશે આપઘાત કર્યો છે, પણ મને એવું લાગતું નથી. મારા માનવા પ્રમાણે આ આપઘાતનો કેસ નથી. મુકેશના અન્ય મિત્રો અને સંબંધીઓએ જણાવ્યું કે કદાચ તેમના દ્વારા આપઘાતનું આ અંતિમ પગલું ભરવા પાછળનું કારણ બેંકનું દેવું ચૂકવવામાં નાદારી હોઈ શકે.