પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર સ્નાન કરનારા કરોડો શ્રદ્ધાળુઓમાં ફિલ્મ સ્ટાર્સ પણ જોડાઈ રહ્યા છે. જાણીતી એક્ટ્રેસ એશા ગુપ્તા, વિજય દેવરકોન્ડા અને રાજકુમાર રાવે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. એશા સાથે તેનાં માતા રેખા ગુપ્તા પણ હતા. એશાએ સ્વામી બાલકનંદ ગિરીના આશીર્વાદ લીધા હતા અને ઉત્તર પ્રદેશ ટુરિઝમના મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. એશાએ પોતાના અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને ‘દિવ્ય કુંભ, ભવ્ય કુંભ’ લખીને પોતાના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. ફિલ્મોમાં દમદાર રોલ માટે જાણીતા અને તાજેતરમાં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરનારા રાજકુમાર રાવે પણ પત્ની પત્રલેખા સાથે કુંભ મેળામાં ભાગ લીધો હતો.
રાજકુમાર રાવે સંગમ ઘાટ પર સ્નાનના મહિમા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, તેઓ અગાઉના કુંભમાં પણ આવ્યા હતા. રાજકુમાર રાવ અને પત્રલેખા ગંગામૈયામાં અપાર શ્રદ્ધા ધરાવે છે. તેઓ પરમાર્થ નિકેતન આશ્રમમાં રોકાયા હતા. પત્ની સાથે મહાકુંભમાં સ્નાન કરવાનો લ્હાવો મળતા રાજકુમાર રાવે પોતાની જાતને ભાગ્યશાળી ગણાવી હતી. આ સાથે તક આપવા બદલ ભગવાનનો આભાર માન્યો હતો.