છેલ્લા કેટલાક વર્ષોથી હિન્દી ફિલ્મોમાંથી ગાયબ રહેલી ઐશ્વર્યા રાય-બચ્ચન હવે ફરીથી ફિલ્મોમાં કામ કરવા સક્રિય બની છે. ઐશ્વર્યાને ૨૦૧૩માં પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામેલા ભારતીય કેદી સરબજીત સિંહના જીવન પરથી બનનારી એક હિન્દી ફિલ્મમાં ભૂમિકા માટે સાઇન કરવામાં આવી છે. તે સરબજીત સિંહની બહેન, દલબીર કૌરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું દિગ્દર્શન ઓમંગ કુમાર કરશે, તેણે અગાઉ ‘મેરી કોમ’ ફિલ્મ બનાવી છે. નિર્માતા સંદીપ સિંહે કહ્યું હતું કે, અમે ‘સરબજીત’ ફિલ્મ માટે ઐશ્વર્યા રાયને સાઈન કરી છે, તે દલબીર કૌરની ભૂમિકા કરશે. ફિલ્મમાં તે પાત્ર ખૂબ જ સશક્ત હશે અને ઐશ્વર્યા તેના માટે એકદમ અનૂકુળ છે. અમને ખાતરી છે કે તે આ ભૂમિકાને બરાબર ન્યાય આપશે.’ ઉલ્લેખનીય છે કે, સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા ભિખીવિંડ ગામનો રહેવાસી હતો. ૧૯૯૧માં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેને ત્રાસવાદી જાહેર કર્યો હતો. તેને ફાંસીની સજા ફરમાવાઈ હતી પરંતુ ૨૨ વર્ષ સુધી સજાનો અમલ થઇ શક્યો નહતો. તેની સજા માફ કરાવીને તેને ભારત પરત લાવવા માટે તેના બહેન દલબીર કૌર સતત પ્રયાસો કર્યા હતા એવામાં ૨૦૧૩માં લાહોરની જેલમાં તેનું મોત થયું હતું.