ઓસ્કર એકેડમી દ્વારા સાતમી માર્ચથી ‘ઈમોશન્સ ઈન કલરઃ એ કેલિડોસ્કોપ ઓફ ઈન્ડિયન સિનેમા’ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. તેના ભાગરૂપે ભારતની 12 ફિલ્મો દર્શાવાશે. જેમાં ‘અમૂલ’ની શ્વેતક્રાંતિને વાચા આપતી ફિલ્મ ‘મંથન’, ‘મધર ઈન્ડિયા’, ‘અમર અકબર એન્થની’, ‘મિર્ચ મસાલા’, ‘દેવદાસ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘માયા દર્પન’, ‘ઈરુવર’, ‘ઈશાનોઉ’, ‘કુમટ્ટી’ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ‘અમૂલ’ બ્રાન્ડનેમથી જાણીતી આણંદસ્થિત ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા 1977માં આ ફિલ્મનું નિર્માણ કરાયું હતું, જેનું દિગ્દર્શન શ્યામ બેનેગલે કર્યું છે. આ ફિલ્મને ‘અમૂલ’ અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા નવેસરથી 4K ફોર્મેટમાં તૈયાર કરાઇ છે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, ‘મંથન' ભારતની શ્વેતક્રાંતિના પ્રણેતા ડો. વર્ગીસ કુરિયનની દૂધ સહકારી ચળવળથી પ્રેરિત છે. ભારત વર્ષ 1998માં વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો અને ત્યારથી તેણે આ સ્થાન જાળવી રાખ્યું છે. સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, ગિરીશ કર્નાડ અને અમરીશ પુરી જેવા પ્રતિષ્ઠિત કલાકારો દ્વારા અભિનીત ‘મંથન’ની વાર્તા ગરીબ ખેડૂતોના એક નાના સમૂહના સંઘર્ષ અને વિજય પર છે. 10 લાખ રૂપિયાના બજેટમાં બનેલી, ‘મંથન’ પહેલી ક્રાઉડ ફંડેડ ભારતીય ફિલ્મ પણ હતી, જેમાં જીસીએમએફએફના પાંચ લાખ પશુપાલકોએ ફિલ્મનિર્માણ ખર્ચને ભંડોળ પૂરું પાડવા માટે માથાદીઠ બે રૂપિયાનું યોગદાન આપ્યું હતું. ‘મંથન’ને વર્ષ 1977માં હિન્દીમાં શ્રેષ્ઠ ફિચરફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને વિજય તેંડુલકરને શ્રેષ્ઠ પટકથા માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. ફિલ્મને વર્ષ 1976માં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ (ઓસ્કાર) માટે ભારત તરફથી એકેડેમી એવોર્ડ માટે રજૂ કરાઇ હતી અને વર્ષ 2025માં યુએન દ્વારા જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષમાં આ ફિલ્મ નવેસરથી પ્રદર્શિત થઇ રહી છે.