મલયાલમ ફિલ્મ ‘2018: એવરીવન ઈઝ અ હીરો’ ઓસ્કર એવોર્ડ્સ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ મલયાલમ ફિલ્મને ભારતમાંથી ઓસ્કાર 2024 માટે મોકલવાનું નક્કી થયું છે. ફિલ્મ ‘2018 એવરીવન ઈઝ અ હીરો’ વર્ષ 2018માં કેરળમાં પૂરે વેરેલા વિનાશની હચમચાવી દે તેવી વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં કુદરતી આફત પર માનવીની જીતને દર્શાવાઈ છે. આ ફિલ્મ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ માટે સ્પર્ધા કરશે. ઉલ્લેખનીય છે કે આ કેટેગરીને અગાઉ બેસ્ટ ફોરેન ફિલ્મનો ખિતાબ પણ મળી ચૂક્યો છે. ઉલ્લેખનીય કે 2002માં ‘લગાન’ પછીથી, કોઈ ભારતીય એન્ટ્રીને ઓસ્કરમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી નથી. 2023માં રિલીઝ થયેલી ફિલ્મો માટે 96મો ઓસ્કાર 10 માર્ચ 2024ના રોજ લોસ એન્જલસ ખાતે યોજાશે. જુડ એન્થની જોસેફ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ટોવિનો થોમસ, કુંચકો બોબન, આસિફ અલી, વિનીત શ્રીનિવાસન, નારાયણ અને લાલે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ‘2018ઃ એવરીવન ઈઝ અ હીરો’ આ વર્ષે મે મહિનામાં રિલીઝ થઈ હતી અને તેને વિવેચકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હિટ રહી હતી.