હાલ કંગના રાણાવત વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘રંગુન’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી કંગના હંસલ મહેતાની ફિલ્મ ‘સિમરન’નું શૂટિંગ શરૂ કરવાની છે. આ ફિલ્મમાં કંગના ગુજરાતી યુવતીનું પાત્ર ભજવવાની છે. પાત્રને ન્યાય આપવા કંગના ગુજરાતી ભાષા શીખવાની છે.
તાજેતરમાં જ નિર્માતા હંસલ મહેતાએ આ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, એની આગામી ફિલ્મમાં કંગના ગુજરાતી પરિવારની યુવતીની ભૂમિકામાં છે. નિર્માતાએ તો એવી કોઈ સ્પષ્ટતા કરી નથી કે કંગના ગુજરાતી ભાષા શીખવાની છે, પણ કંગનાના નજીકના કેટલાક મિત્રોએ કહ્યું છે કે કંગના એના દરેક પાત્રને ન્યાય આપવા માટે પૂરી તૈયારી કરે છે. એવી જ રીતે ફિલ્મ ‘સિમરન’ માટે પણ તૈયારી કરશે અને ગુજરાતી ભાષા શીખવાનો તે પ્રયત્ન કરશે.