ફિલ્મ સ્ટાર્સ માટે ચાહકોની દિવાનગીના કિસ્સા હજારો હશે, પરંતુ કોઈ ફેન માટે ફિલ્મ સ્ટારની નફરતનો ચોંકાવનારો કિસ્સો બેંગલૂરુમાં બન્યો છે. કન્નડ સ્ટાર દર્શનની રીલ લાઈફથી પ્રભાવિત થયેલા એક ચાહકે તેના અંગત જીવનમાં ખલેલ ઊભી કરી હતી. ચાહકની દિવાનગીએ ઝનૂની સ્વરૂપ ધારણ કર્યું હોવાનું લાગતા કન્નડ અભિનેતા દર્શને તેને ફાર્મ હાઉસ પર મળવા બોલાવ્યો હતો અને સાગરિતો સાથે મળીને હત્યા કરાવી હતી. ફેનના મર્ડર કેસમાં પોલીસે દર્શન અને તેની બીજી પત્ની અને જાણીતી અભિનેત્રી પવિત્રા ગૌડા સહિત 10 આરોપીની ધરપકડ કરી છે.
ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવો ગુનો લાખો ફેન્સના માનીતા ફિલ્મ સ્ટારે આચર્યો છે. થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘સેલ્ફી’માં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી વચ્ચેનો ઝઘડો બતાવાયો હતો. જેમાં પોતાના ફેવરિટ સ્ટારે અવગણના કરી હોવાનું લાગ્યા બાદ બદલો લેવાની વૃત્તિ પાંગરી હતી. રિઅલ લાઈફનો આ કિસ્સો કર્ણાટકના પાટનગર બેંગલૂરુમાં બન્યો છે. પહેલી પત્ની સાથે વિવાદ હોવાથી દર્શન અલગ રહે છે. અભિનેત્રી પવિત્રા ગૌડા સાથે તે ઘણાં સમયથી લીવ ઈનમાં છે અને પવિત્રાને પોતાની પત્ની તરીકે ઓળખાવે છે. દર્શનનું અંગત જીવન ઘણાં સમયથી ચર્ચામાં રહે છે અને તેણે પહેલી પત્ની સાથે રહેવું કે પવિત્રા સાથે રહેવું તે અંગે અનેક ચાહકો સોશિયલ મીડિયા પર જાતજાતના અભિપ્રાય આપતા રહે છે. આવો જ એક ચાહક ચિત્રાદુર્ગા ખાતે રહેતો રેણુકા સ્વામી હતો. સોશિયલ મીડિયા પર પવિત્રાના મેસેજ પર તે વલ્ગર મેસેજ મૂકતો હતો અને દર્શનને વારંવાર પહેલી પત્ની પાસે જતા રહેવાનું કહેતો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, રેણુકાના આ વર્તન માટે દર્શન અને પવિત્રાએ તેની હત્યા કરાવી હતી. દર્શને તેને પોતાના ફાર્મહાઉસ પર મળવા બોલાવ્યો હતો અને બાદમાં સાગરિતો પાસે તેની હત્યા કરાવી હતી. બેંગલુરુ ખાતે કેનાલમાં લાશનો નિકાલ કરવા માટે પણ દર્શનની કારનો ઉપયોગ થયો હતો.