ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સના નવા શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’ના પ્રથમ એપિસોડમાં રિવ્યૂ વખતે જ એક વર્ગનો મત હતો કે કપિલ શર્માનો જાદુ ઓટીટી પર ચાલે તેવું લાગતું નથી. આ આશંકા સાચી પુરવાર થઇ છે. નેટફ્લિક્સે પાંચ જ એપિસોડના પ્રસારણ પછી શો બંધ કરવાનો નિર્ણય લીધો છે. શોના છેલ્લા એપિસોડનું શૂટિંગ થઈ ચૂક્યું છે. પાંચ હપ્તામાં જ નેટફ્લિક્સ કપિલ પર રૂ. 25 કરોડ ખર્ચ કરી ચૂક્યું છે. કપિલ શર્મા આજકાલ કલર્સ ટીવી પર અંતાક્ષરી કાર્યક્રમ માટે પ્રયત્નશીલ છે. જોકે કપિલની બાન્ડ વેલ્યૂ ઘટી રહી હોવાથી તેને સ્પોન્સર મળવાની સંભાવના ઘટી રહી છે. પહેલાં સ્ટેન્ડઅપ કોમેડિયન પછી શો હોસ્ટ અને તે પછી કાર્યક્રમ નિર્માતા બની ચૂકેલા કપિલ શર્મા ઓટીટી ગેમપ્લાન પૂરો કરી ચૂક્યા છે. તેમના નવા શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શો’ને બંધ કરવા નેટફ્લિક્સે નિર્ણય લઈ લીધો છે. કપિલ શર્માને પ્રત્યેક શો દીઠ લગભગ રૂ. પાંચ કરોડની ચુકવણી થઈ છે. શોમાં જે અભિનેતા સુનીલ ગ્રોવરના અભિનયની સૌથી વધુ પ્રશંસા થઈ છે તેને તો માત્ર 25 લાખ રૂપિયા જ મળ્યા છે. સોફા પર બેસીને માત્ર હસવા માટે અર્ચના પૂરણસિંહને પ્રતિ એપિસોડ રૂપિયા 10 લાખની ચુકવણી થઈ છે. નેટફ્લિક્સની વેબસીરિઝ ટીમે તેમના બોસ બેલા બજરિયાના તાજેતરના ભારત પ્રવાસ દરમિયાન કપિલ શર્મા શો ટીમ સાથે તેમની મુલાકાત કરાવી હતી.