લોકોમાં તનની તંદુરસ્તીના મામલે જેટલી જાગૃતિ પ્રવર્તે છે તેટલી જાગૃતિ મનની તંદુરસ્તીના મામલે પ્રવર્તતી નથી. મેન્ટલ હેલ્થ કથળવા છતાં મોટાભાગના લોકો થેરાપી લેવાનું ટાળે છે. કેટલાક હિંમત કરીને થેરાપી લેવા જાય છે, પરંતુ આ અંગે વાત કરવામાં ગભરાટ અનુભવે છે. માનસિક આરોગ્યને હળવાશથી લેવાના બદલે તેની તંદુરસ્તી પર ધ્યાન આપવા બોલિવૂડ સ્ટાર્સ વારંવાર ભાર મૂકે છે. દીપિકા પાદુકોણ અને આમિર ખાન જેવા સ્ટાર્સે લોકોનો ગભરાટ દૂર કરવા મેન્ટલ હેલ્થ માટે પોતાના સંઘર્ષ અંગે જાહેરમાં ચર્ચા કરી ચૂક્યા છે. તાજેતરમાં 10 ઓક્ટોબરે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉજવાયો ત્યારે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
કરણ જોહરે 10 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર સ્વીકાર્યું હતું કે, પોતે ઘણી વખત ડિપ્રેશનનો ભોગ બની ચૂક્યો છે. સૌથી પહેલા કરણને 2015-16ના વર્ષમાં મેન્ટલ હેલ્થ કથળી હોવાની જાણ થઈ હતી. મિત્રની સલાહ બાદ તેઓ સાઇકોલોજિસ્ટ પાસે ગયા હતા. અનેક વખત વાતચીત બાદ સમસ્યા શું છે તેની ખબર પડી હતી. દવાઓ શરૂ કરી અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર કર્યો. ત્યારબાદ પરિસ્થિતિ સુધરતી ગઈ. થોડા સમયમાં દવાની જરૂર પણ ના રહી.
આ જ દિવસે આમિર ખાન અને તેમની દીકરીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે મેન્ટલ અને ઈમોશનલ ઈશ્યૂમાં પ્રોફેશનલની મદદ લેવા ભારપૂર્વક જણાવ્યું છે. આમિરે જણાવ્યું હતું કે, તેઓ અને ઈરા વર્ષોથી થેરાપી લઈ રહ્યા છે અને તેના કારણે ઘણી મદદ મળી છે.
ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્માને એવા સમયે નિરાશા ઘેરી વળી હતી જ્યારે તે ખૂબ સફળ હતી. 2017માં અનુષ્કાએ પોતાની હતાશા અને ઉદ્વેગ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ‘હું મારી એન્ક્ઝાઈટીની સારવાર કરી રહી છું. તેના માટે દવાઓ ચાલી રહી છે. આ હકીકત સ્વીકારવામાં કશું ખોટું નથી.’ શ્રદ્ધા કપૂર પણ એક સમયમાં હતાશાનો ભોગ બની હતી. શ્રદ્ધાએ 2019માં જણાવ્યું હતું કે, ‘પહેલા મને ખબર ન હતી કે, એન્ક્ઝાઈટી શું છે. આ સમસ્યાથી હું સાવ દૂર રહી હતી. ‘આશિકી’ ફિલ્મ બાદ મને આ સમસ્યાનો અનુભવ થયો હતો. હકીકતને સ્વીકારીને આગળ વધી હતી.’