મુંબઈઃ પ્રીતિ ઝિંટા, ઊર્મિલા માતોંડકર પછી બોલિવૂડની એક ઓર હિરોઈન બિપાશા બસુ પ્રભુતામાં પગલાં પાડવાની તૈયારી કરી રહી છે. અભિનેતા કરણસિંગ ગ્રોવર સાથે એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયામાં બિપાશા લગ્ન કરશે તેવી બી ટાઉનમાં ચર્ચા છે. ગયા વર્ષે પ્રદર્શિત થયેલી ‘અલોન’ નામની ફિલ્મના કારણે બિપાશા અને કરણ નજીક આવ્યા હતા. ફિલ્મનું શૂટિંગ કરતાં કરતાં બંને પ્રેમમાં પડયાં હતાં. ત્યાર પછી બર્થ-ડે સેલિબ્રેશન્સમાં, ફંક્શન્સમાં અને હોલીડેઝ સાથે મનાવતાં બંને દેખાવા લાગ્યા હતા અને બંનેની વધતી નજદીકીને કારણે કરણના ઘરસંસારમાં તોફાન આવ્યું હતું. કરણની બીજી પત્ની જેનિફર વિંગેટે તેનાથી જુદા થવાનો નિર્ણય લીધો હતો. એ પછી ગયા મહિને કરણ અને વિંગેટના છૂટાછેડા થયા હતા. કરણના છૂટાછેડા પછી બિપાશા - કરણની સગાઈની ચર્ચા જોર પકડવા લાગી હતી.
એક કાર્યક્રમમાં બિપાશાની આંગળીમાં જોવા મળેલી ડાયમંડ રિંગે તે બાબત ઉપર મહોર લગાવી હતી. કરણના બે છૂટાછેડા અને બિપાશાના અનેક રિલેશનશિપને લીધે બંનેના ઘરવાળાઓનો લગ્ન માટે નકાર હતો, પરંતુ બિપાશા - કરણે પોતાનાં માતાપિતાને રાજી કર્યાં હોવાની સૂત્રોએ માહિતી આપી હતી. અંતે ૩૦ એપ્રિલના રોજ મુંબઈની તાજ પેલેસ હોટેલમાં પારંપરિક બંગાળી પદ્ધતિથી તેમનાં લગ્ન થવાનાં હોવાનું જાણવા મળ્યું છે.