બોલિવડ અભિનેતા અનિલ કપુરના ઘરે રવિવારે સાંજે તેની પત્ની સુનીતા કપુર દ્વારા કરવા ચોથ પૂજાનું આયોજન કરાયું હતું. જેમાં શિલ્પા શેટ્ટી, રવિના ટંડન, ગીતા બસરા, શાહિદ કપરની પત્ની મીરા રાજપૂત, નીલમ કોઠારી, મિની માથુર, સંજય કપુરની પત્ની મહીપ કપુર અને ચકી પાન્ડેની પત્ની ભાવના પાન્ડે સહિતની સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી. નીલમ, મહીપ અને ભાવના ખાસ સહેલીઓ છે અને ઘણી વાર બોલિવડની પાર્ટીઓ કે ઇવેન્ટ્સમાં સાથે જ નજરે પડે છે.
સોનમ વ્રત નથી કરતી, પણ...
અભિનેત્રી સોનમ કપૂરે કરવા ચોથ પ્રસંગે સોશિયલ મીડિયા પર અનેક તસવીરો શેર કરી છે. જેમાં પોતાના હાથ પર લાગેલી સુંદર મહેંદીની ડિઝાઈન્સ પણ છે. બન્ને હાથ પર મહેંદી લગાવેલી છે અને કેપ્શનમાં સોનમે લખ્યું છે કે ‘કરવા ચોથ પહેલાની સાંજ.... મહેંદી લગાવી, સુનીતા કપૂરનો આભાર.’ પછીની તસવીરમાં સોનમ કપૂરની હથેળી જોવા મળે છે. તેના પર ખાસ ડિઝાઇનમાં મહેંદી લાગેલી છે. બંને કાંડા પર સોનમના પતિ અને પુત્ર (આનંદ અને વાયુ)ના નામ હિંદીમાં લખેલા છે. સોનમે તસવીરોમાં હાથની પાછળના ભાગે લાગેલી મહેંદી પણ દર્શાવી છે. તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, ‘તમને જાણકારી માટે કહું છું કે હું વ્રત નથી રાખતી, પરંતુ મહેંદી લગાવવી, તૈયાર થવું અને ખાનપાનનો આનંદ લેવાનું પસંદ છે.’