કરિશ્મા કપૂર અને તેના ઉદ્યોગપતિ પતિ સંજય કપૂર વચ્ચે પરસ્પર સંમતિથી ડિવોર્સ ફાઇલ થયા હતા, પરંતુ અચાનક જુદાં જુદાં કારણોસર તેમની ડિવોર્સ પીટિશનને પાછી ખેંચવાની એપ્લિકેશન્સ ફાઇલ થઈ છે. દોઢ વર્ષ પહેલાં બંને નક્કી કરાયેલી શરતો પર ડિવોર્સ લેવા માટે સંમત હતાં અને અચાનક બંને તરફથી દલીલો રજૂ થતાં કેસમાં વળાંક આવ્યો છે.
કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૦૩ના રોજ થયા હતા અને આ જોડીએ પરસ્પર સમજૂતીથી અલગ થવા માટે ૨૩ મે, ૨૦૧૪ના રોજ બાન્દ્રા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. હવે બંને વચ્ચે બાળકો સમાઇરા અને કિઆનની કસ્ટડીને લઈને ઝઘડો ઊભો થયો છે અને સંજયે બાળકો માટે સ્થાપેલા વેલ્ફેર ટ્રસ્ટને લઈને પણ બન્ને વચ્ચે એકરાગ નથી સધાઈ રહ્યો. કરિશ્માના વકીલ ક્રાંતિ સાંઠેએ આ મામલે કહ્યું છે કે, કોર્ટે હાલમાં તો બંનેને એકબીજાની એપ્લિકેશન્સનો જવાબ આપવાનો આદેશ આપ્યો છે, કરિશ્માને એ વાતે મુશ્કેલી છે કે સંજયે સંમતિથી નક્કી કરાયેલી શરતોનું પાલન કર્યું નથી. તેમને બંનેને કોર્ટે ખાસ કરીને બાળકોના મામલે ચોક્કસ ફરજો સોંપી હતી અને સંજયે તેની ફરજ નિભાવી નથી. કાયદા અનુસાર આ કેસ પડતો મુકાશે. બીજી તરફ સંજય તરફથી એવી દલીલ છે કે, કરિશ્મા સંજયને તેમનાં બાળકોને મળતા રોકે છે. આ મુદ્દે ક્રાંતિ કહે છે કે, એવું બિલકુલ નથી. કોર્ટમાં નક્કી કરાયેલા સમય મુજબ જ્યારે પણ સંજય બાળકોને મળવા માટે આવે છે ત્યારે તેને બાળકોને મળવા દેવાય છે.