કરીના કપૂર કયો ધર્મ પાળે છે?

Saturday 10th August 2024 10:48 EDT
 
 

કરીના કપૂર એક શાનદાર અભિનેત્રી હોવા ઉપરાંત અદ્ભુત માતા પણ છે અને તેની સાથે જોડાયેલા લોકો આ માટે તેના વખાણ પણ કરે છે. તે પતિ સૈફ અને પુત્રો સાથે સમય વિતાવવાની કોઈ તક છોડતી નથી. કરીના કપૂર ખાને સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને સંતાનમાં તેને બે પુત્રો તૈમુર અને જેહ છે. હિંદુ પરિવારની હોવાથી જ્યારે કરીનાએ સૈફ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેની ઘણી ટીકા થઈ હતી. આ ટીકા ઠંડી પડી ત્યાં એવો સવાલ ઉભો થયો હતો આખરે તે કયા ધર્મનું પાલન કરે છે. આ મામલે કરીનાએ તો ક્યારેય કંઇ બોલવાનું પસંદ કર્યું નથી, પણ હવે તેના બન્ને દીકરા તૈમુર અને જેહની નેની (આયા)એ આ સવાલ સહિત અનેક બાબત પરથી પરદો ઉઠાવ્યો છે. એક અહેવાલમાં નેની લલિતા ડી’સિલ્વાને ટાંકીને કરીનાની આસ્થા વિશે વાત કરી છે. લલિતાનું કહેવું છે કે કરીના તેમના માતા બબીતા કપૂરની જેમ ખ્રિસ્તી ધર્મ પાળે છે, પરંતુ સાથે સાથે તેઓ મને ઘણી વાર કહે તું ઈચ્છે તો બાળકોને ભજન પણ સંભળાવી શકે છે. તેથી હું વારંવાર તેમના પુત્રોને ભજનો સંભળાવું છું. હા, કરીનાએ એક વખત મને પંજાબી ભજન ‘એક ઓમકાર’ વગાડવાનું પણ ખાસ કહ્યું હતું. તેઓ જાણે છે કે બાળકોની આસપાસનું વાતાવરણ સકારાત્મક હોવું જોઈએ.’
લલિતા કહે છે, ‘કરીના તેમના સંતાનોને ખૂબ પ્રેમ કરે છે. તેઓ અત્યંત શિસ્તબદ્ધ છે અને મને લાગે છે કે તેનું કારણ તેમના માતા (બબીતા) છે, તેઓ પણ અત્યંત શિસ્તબદ્ધ છે. મેં કરીનાનું બાળપણ તો નથી જોયું, પરંતુ તેમણે જે કહ્યું તેના પરથી જાણું છું કે તેમના માતા પણ તેમની જેમ અત્યંત શિસ્તબદ્ધ હતાં. તેઓ હંમેશા સંતાનોના અભ્યાસ પર ધ્યાન આપતાં અને ટાઇમટેબલ જાળવીને ખાતરી કરતાં કરીના તેનું પાલન કરે.’ લલિતા આગળ કહે છેઃ ‘તેઓ (સૈફ અને કરીના પરિવાર) ખૂબ જ સરળ લોકો છે. સવારની દિનચર્યા એવી છે કે સ્ટાફ, કરીના અને સૈફ, અમે બધા એક સરખું ભોજન લઈએ છીએ. તેમના માટે અલગ ભોજન અને સ્ટાફ માટે અલગ ભોજન એવું કંઇ નથી. ભોજન પણ સરખું અને તેની ક્વોલિટી પણ સરખી. કેટલીય વાર અમે સાથે બેસીને જમ્યા છીએ.’ ઉલ્લેખનીય છે કે લલિતા વર્ષો પહેલાં અનંત અંબાણીનાં નેની રહી ચૂક્યાં છે અને તાજેતરમાં જ તેઓ અનંત અંબાણીના લગ્નમાં પણ પહોંચ્યા હતાં. ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ અંબાણી પરિવાર લલિતાને અનંત-રાધિકાના લગ્નમાં આમંત્રણ આપવાનું ભૂલ્યો ન હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter