જાણીતી ફિલ્મ અભિનેત્રી કરીના કપૂરે પોતાની ગર્ભાવસ્થા દરમિયાન થયેલા અનુભવો વિશે પુસ્તક લખ્યું છે. પુસ્તકને નામ આપ્યું છેઃ ‘કરીના ખાન્સ પ્રેગેન્સી બાઇબલ’. આ શીર્ષક સામે જબલપુરના એક ક્રિશ્ચિયન સમાજસેવકને વાંધો પડ્યો છે. તેમનું માનવું છે કે કરીના કપૂરે પુસ્તકના મથાળામાં કરેલો બાઈબલ શબ્દનો ઉપયોગ કર્યો ખોટો છે, તેના કારણે ખ્રિસ્તી સમુદાયની લાગણી દુભાઇ છે. ક્રિસ્ટોફરે એન્થનીએ તેમના વાંધા સાથે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. કોર્ટે કરીના કપૂર અને પુસ્તકના વિક્રેતા પાસેથી જવાબ માંગ્યો છે. જબલપુરના ખ્રિસ્તી સમાજસેવકનું કહેવું છે કે માત્ર પુસ્તકના પ્રચાર માટે ખ્રિસ્તી ધર્મના પવિત્ર ગ્રંથના નામનો ઉપયોગ કરીને કરીના કપૂરે સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા પ્રયાસ કર્યો છે. ક્રિસ્ટોફર એન્થનીનું કહેવું છે કે બાઈબલ સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક છે. કરીના કપૂરની
ગર્ભાવસ્થાની તુલના બાઇબલ સાથે કરવી ખોટી છે. તેના કારણે ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણી દુભાઇ છે. હાઈકોર્ટ પહોંચતા પહેલાં એન્થનીએ પુસ્તકને અટકાવવા તેમનાથી બનતા તમામ પ્રયાસ કર્યા હતા. કરીના વિરુદ્ધ કેસ દાખલ કરવા પોલીસ મથકના ચક્કર કાપ્યા, પરંતુ પોલીસે તેના કેસને ગંભીરતાથી નહીં લીધો અને એફઆઈઆર નહીં નોંધી. આ પછી ક્રિસ્ટોફર નીચલી અદાલત પહોંચ્યા તો ત્યાં પણ સફળતા ના મળી. આખરે ક્રિસ્ટોફરે થાકીને હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. તેમની વાત અને તર્કોને સાંભળીને મધ્યપ્રદેશ હાઈકોર્ટે કરીના કપૂર ખાનને નોટિસ આપી છે. હવે કરીનાએ સાબિત કરવાનું છે કે તેણે ધાર્મિક ભાવનાને દુભાવ્યા વિના જ પુસ્તકના શીર્ષકમાં બાઇબલ શબ્દનો ઉપયોગ કર્યો છે. ક્રિસ્ટોફરે પુસ્તકના વિક્રેતાને પુસ્તકને વેચતા રોકવાની પણ કોર્ટ સમક્ષ માગણી કરી છે. પુસ્તકને ઓનલાઈન વેચનારી કંપનીને પણ પક્ષકાર બનાવીને નોટિસ મોકલાઇ છે.