તનુજા, ઈરફાન ખાન જેવા મંજાયેલા કલાકારને લઈને ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મ બની છે. બોલિવૂડની ચીલાચાલુ મસાલા ફિલ્મ કરતાં આ ફિલ્મ અલગ છે. ફિલ્મ એક્સપર્ટ્સ કહે છે કે ‘એક દૂજે કે લિયે’, ‘ટુ સ્ટેટસ’ વગેરે ફિલ્મોની યાદ આવે છે. ફિલ્મમાં એક ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીયની પ્રેમકથા છે. ફિલ્મને દિલ્હી, અલવર, ઋષિકેશ, ગંગટોક જેવા લોકેશન્સ પર શૂટ કરવામાં આવી છે. જયા (પાર્વતી) દક્ષિણ ભારતીય છે અને તેની ઉંમર લગભગ ૪૫ વર્ષ છે થોડાં વર્ષ પહેલા જ તેના પતિનું મૃત્યુ થઈ ચૂક્યું છે. જયા પોતાના જીવનને નવેસરથી શરૂ કરવા લાઈફ પાર્ટનર શોધી રહી છે. તેને યોગીની પ્રોફાઈલ મળે છે. જેની ઉંમર તેના જેટલી જ છે. યોગીને મળ્યા પછી જયાને અહેસાસ થાય છે કે યોગી તેના કરતાં સાવ વિરુદ્ધ જ સ્વભાવનો છે. એ પછી બંનેના જીવનની સ્ટોરી શું વળાંક લે છે એ માટે ફિલ્મ જોવી રહી. ફ્લાઈટ, ટ્રેન, ટેક્સીમાં પ્રવાસની આસપાસ યોગી-જયાની કથા આકાર લે છે. ઈરફાન અને પાર્વતી બંને પોતાના કેરેકટરમાં એકદમ ફિટ બેસે છે. પાર્વતી સાઉથની જાણીતી એકટ્રેસ છે અને તેણે પોતાના કેરેકટરને બરાબર ન્યાય આપ્યો છે. ઈરફાન જ્યારે પણ સ્ક્રીન પર આવે ત્યારે દર્શકોને હસવાનો મોકો મળે છે. નેહા ધુપિયા, ઈશા શ્રવણી, નવનીત નિશાન અને કેમિયો રોલમાં બિજેન્દ્ર કાલા પોતાની છાપ છોડી ગયા છે. ગીતો સારા છે.