મુંબઈ: ‘વકત’, ‘હમરાઝ’, ‘નિકાહ’, ‘મઝદૂર’, ‘બાગબાન’ જેવી યાદગાર હિન્દી ફિલ્મોની ભેટ આપનાર બી. આર. ફિલ્મ્સના મુંબઈના ખાર પશ્ચિમ સ્થિત બે બંગલા વેચવાની જાહેરાત કરાઈ છે. બી. આર. ફિલ્મ્સે વાયાકોમ-૧૮ નેટવર્કને રૂ. ૨૦ કરોડ ચૂકવવાના બાકી છે. અવ્વલ દરજ્જાના નિર્માતા દિગ્દર્શક બી. આર. ચોપરા બી. આર. ફિલ્મ્સના સ્થાપક હતા. ગત સપ્તાહમાં મુંબઈ હાઈ કોર્ટે ગાર્ડન હોમ્સ તરીકે ઓળખાતા બે બંગલાના વેચાણના સોદાને મંજૂરી આપી હતી.
આ બંગલા ઝોહેબ ઇસ્માઈલભાઈ મન્સુરીએ રૂ. ૯.૫ કરોડમાં ખરીદ્યા છે. ૨૦૧૩માં બી. આર. ફિલ્મ્સ સામે તેના ૨૭ લેણદારોએ રૂ. ૩૨ કરોડના લેણા માટે કેસ દાખલ કર્યો હતો. એ વખતે સદ્ગત બી. આર. ચોપરાના પુત્ર રવિ ચોપરા બીમાર હતા. ૨૦૧૪માં રવિ ચોપરાનું અવસાન થયું હતું.