નવી દિલ્હી સ્થિત વિજ્ઞાનભવન ખાતે તાજેતરમાં 69મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂમુના હસ્તે ફિલ્મ ઉદ્યોગ પ્રતિભાશાળી કલાકારોને સન્માનવામાં આવ્યા હતા. પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને ભારતીય ફિલ્મઉદ્યોગના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે પુરસ્કાર તો બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય એવોર્ડ ‘પુષ્પા’ ફેમ અલ્લુ અર્જુને એનાયત થયો હતો. મુંબઈના રેડ લાઇટ એરિયામાં રહેતી ગંગુબાઈ નામની મહિલાના જીવન પર બનેલી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં ગંગુબાઇનું પાત્ર ભજવનાર આલિયા ભટ્ટ અને સરોગસી જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી ફિલ્મ ‘મીમી’માં ઉત્કૃષ્ટ અભિનય બદલ ક્રીતિ સેનનને બેસ્ટ એક્ટ્રેસનો સંયુક્ત એવોર્ડ એનાયત થયો હતો. આ ઉપરાંત ‘છેલ્લો શો’ના નિર્માતા ધીર મોમાયા અને દિગ્દર્શક પાન નલિનને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
વહિદા રહેમાનને ફાળકે સન્માન
પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને આ વર્ષે દાદાસાહેબ ફાળકે લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. એવોર્ડના 54 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીમાં માત્ર 7 મહિલા કલાકારોને આ સન્માન એનાયત થયું છે. પહેલો દાદાસાહેબ ફાળકે એવોર્ડ 1969માં અભિનેત્રી દેવિકા રાનીને અપાયો હતો. આ પછી સુલોચના, કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર, આશા ભોસલે અને આશા પારેખને આ સન્માન મેળવી ચૂક્યા છે. આ પ્રસંગે વહિદા રહેમાને આપેલી સ્પીચમાં કહ્યું કે, ‘આજે મેં જે કંઈ પણ મેળવ્યું છે તે તમામ આ ઇન્ડસ્ટ્રીઝને આભારી છે. મારી આ યાત્રામાં મારો સાથે દેનાર પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને ખાસ કરીને મારા મેકઅપ આર્ટિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઇનરનો વિશેષ આભાર માનુ છું.’