ઈમ્તિયાઝ અલીની ફિલ્મોની ગમે એવી વાત હોય તો તે એ છે કે દરેક સામાન્ય માણસના જીવનમાં બનતી કે બનેલી ઘટનાને જ મઠારીને ફિલ્મમાં મૂકે છે એટલે એ ઘટનાના વિચારમાં, કનેક્ટિવિટીમાં આખી ફિલ્મ જોવાઈ જાય. એની કોઈ પણ ફિલ્મ લિટરલી ટ્રાન્સમાં લઈ જતી હોય એનું એ જ કારણ હોઈ શકે. જેમકે ‘તમાશા’માં રણવીર કપૂર (વેદ સહાની) નાનપણથી વાર્તાઓ સાંભળતો હોય છે અને વાર્તાના પાત્રો તેને આજુબાજુ ઘેરી વળતાં હોય છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક દાદીમા, દાદાજી પાસેથી વાર્તા સાંભળી જ હોય અને એ વાર્તાના પાત્રો સાથે ફેન્ટસીમાં જીવવા પણ લાગ્યા હોય. ‘તમાશા’માં એ એક મુદ્દો એવો સબળ રજૂ થયો છે કે ફિલ્મ જોવા ગયેલો દર્શક આ પોઈન્ટ સાથે તાદાત્મય સાધી લે ને આખી ફિલ્મ એમાં નીકળી જાય.
આ ફિલ્મનો એક એક સીન છૂટો પાડો તો એમાંથી એક એક વાર્તા બને છે. દીપિકા - રણબીરની એક્ટિંગ માશાઅલ્લાહ અને એમની પાસે આવી જોરદાર એક્ટિંગ કરાવી લેનારા ઇમ્તિયાઝ માટે ડબલ માશાઅલ્લાહ. ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મના ગીતોમાં પણ સ્ટોરી આગળ વધે છે. ‘મટરગશ્તી’, ‘હીરતો બડી સેડ્ડ હૈ’, ‘ચલી કહાની’ અને ‘તુમ સાથ હો’ ગીતો સાંભળવા ગમે તેવાં છે. ઇર્શાદ કામિલે વેદ અને તારાની લાગણીને શબ્દોનો પૂરેપૂરો ન્યાય આપ્યો છે. એ. આર. રહેમાનનું સંગીત તેની છાપથી થોડું અલગ છે છતાં સાંભળવું ગમે તેવું છે.
વાર્તા રે વાર્તા
સિમલાના વેદ વર્ધન સહાની (રણબીર કપૂર)ને બાળપણથી વાર્તાઓ સાંભળવાની અને એમાં ખોવાઈ ટેવ. પોતાની જિંદગીમાં મસ્ત રહેતો વેદ કોર્સિકામાં તારા મહેશ્વરી (દીપિકા પદુકોણ)ને મળે છે. બંને પોતપોતાની ઓળખાણ પરસ્પર જાહેર ન કરવાની શરતે સાથે સુહાના દિવસો ગાળે છે. તારાને ભારત આવ્યા પછી અહેસાસ થાય છે કે તે વેદના પ્રેમમાં છે. કોર્સિકામાં જોયેલા વેદના પુસ્તક પરથી તે એ જગ્યા શોધે છે જ્યાં વેદ આવતો જતો હોય છે. બે વર્ષના ગાળા પછી વેદ તેને મળે છે, પણ અલ્લડ બેફિકરો વેદ ખોવાઈ ગયો હોય છે. ટેલિકોમ કંપનીના સૂટેડ બુટેડ એકિઝેક્યુટિવ વેદ સામે તારા પોતાના પ્રેમનો એકરાર કરે છે, પણ થોડા દિવસો પછી ઘડિયાળના કાંટે જીવતા વેદ સાથે સગાઈની ના પાડે છે અને કહે છે કે તું ખરેખર આવો વેદ નથી. તું મશીન નથી. મસ્તાનો માણસ છે. મશીન જેવી જિંદગી જીવવી કે પછી મસ્તમૌલાની જેમ જિંદગીને માણવી એ કશ્મકશમાં વેદની અંદરનો મોજીલો દેવ જીતી જાય છે અને વેદ ધ સ્ટોરી ટેલર બની જાય છે.