મુંબઈઃ કાજલ અગ્રવાલ આગામી ફિલ્મમાં ચક્ષુહીન યુવતીનું પાત્ર ભજવી રહી છે. તેમજ રણદીપ હુડા આ ફિલ્મમાં એક ફાઇટરની ભૂમિકામાં જોવા મળશે. કાજલને આ પાત્ર ભજવતા પ્રજ્ઞાચક્ષુ લોકોની યાતનાનો અનુભવ થયો હતો જેના પરિણામે તેણે અને રણદીપ હુડાએ મૃત્યુ પછી તેમનાં નેત્રો દાન કરવામાં આવે તેવો સંકલ્પ કર્યો હતો. કાજલ માટે એક અંધ યુવતીનું પાત્ર ભજવવું ખાવાના ખેલ નહોતા. તેથી તે નેત્રહીન યુવતીઓને મળવા ગઇ હતી અને તેમની સાથે ઘણો સમય પસાર કર્યો હતો. આ રીતે તે પોતાના પાત્ર માટે તૈયાર થઇ હતી. આ અનુભવ લેતાં કાજલને પોતાની આંખનું દાન કરવાનો વિચાર આવ્યો હતો.
રણદીપનો પણ નેત્રદાનનો નિર્ણય
મેં જ્યારે મારા અનુભવની વાત રણદીપને કરી તો રણદીપ ભાવુક થઈ ગયો અને તેણે પણ મૃત્યુ બાદ પોતાની આંખો દાન કરવામાં આવે તેવી ઇચ્છા પ્રગટ કરી. તેથી રણદીપ અને હું ભવિષ્યમાં અમારી આંખનું દાન કરવા માટે ગંભીર છીએ. માનવશરીરમાં આંખ મહત્ત્વપૂર્ણ અંગોમાંથી એક છે. આંખ વિના જિંદગી અંધકારમય બની જાય છે. અંધકાર સાથે ઝઝૂમી રહેલા લોકાને આંખનું દાન આપવું એ સૌથી મોટી ભેટ છે.