દૂરદર્શનનું ક્લેવર બદલાવવા અને તેને વ્યવસાયિક ધોરણે સ્પર્ધાત્મક બનાવવા માટે સરકારે પ્રસારભારતીના બોર્ડમાં અજય દેવગણની અભિનેત્રી પત્ની કાજોલ સહિતનાં કેટલાંક જાણીતા નામોને સમાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જે સાત નામો સૂચવવામાં આવ્યા છે તેમાં કાજોલ ઉપરાંત ભજન ગાયક અનુપ જલોટા, પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના મીડિયા સલાહકાર અશોક ટંડન અને વરિષ્ઠ પત્રકાર મિન્હાઝ મર્ચન્ટનો સમાવેશ થાય છે. હંગામી સભ્યોની ખાલી પડેલી જગ્યાઓ માટે આ નામો સૂચવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અજય દેવગણે ગાંધીનગરમાં નરેન્દ્ર મોદી સાથે અનેક ગૂગલ ટોકમાં ભાગ પણ લીધો હતો.