બોલિવૂડની સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીને ૭૧મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ટાઇટન રેગિનાલ્ડ એફ. લેવિસ ફિલ્મ આઇકન એવોર્ડથી સન્માનિત કરાઇ હતી. શ્રીદેવીના પરિવાર વતી જાણીતા ફિલ્મકાર સુભાષ ઘાઇ અને પ્રોડ્યુસર નમ્રતા ગોયલે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. શ્રીદેવીના પતિ, પ્રોડ્યુસર બોની કપૂરે એક નિવેદનમાં જણાવ્યું કે, 'તેના (શ્રીદેવીના) સન્માન, તેને અપાતી અંજલિઓ તથા તેના સેંકડો ચાહકો દ્વારા વરસાવાતા પ્રેમથી જ્હાન્વી, ખુશી અને હું ગદગદિત છીએ. તેનું કામ અને તેનું જીવન દુનિયાભરમાં ઘણા લોકોના દિલોને સ્પર્શી ગયું છે અને તે કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેના કામ થકી તે હંમેશા જીવિત રહેશે.' નોંધનીય છે કે તાજેતરમાં ૬૫મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં પણ શ્રીદેવીને 'મોમ' ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી મરણોપરાંત સન્માનિત કરાઇ હતી. શ્રીદેવીનું ગત ૨૪ ફેબ્રુઆરીએ દુબઇમાં નિધન થયું હતું.