એક સમયે મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચનું સ્થાન ધરાવનાર ગોવિંદા માટે અત્યારે ખરાબ સમય ચાલી રહ્યો છે. જે રીતે તેના ભૂતપૂર્વ સાથીઓ દ્વારા કામ માટે તેની સાથે વર્તન થઇ રહ્યું છે તેથી તે ખૂબ જ નારાજ છે. ગોવિંદા કહે છે કે, મેં ડેવિડ ધવનને સામેથી મેસેજ મોકલ્યો, તમારી સાથે ૧૭ ફિલ્મો કરી છે. ૧૮મી ફિલ્મમાં ભલે હિરો તરીકે નહીં, પણ મહેમાન કલાકાર તરીકે રોલ આપો. પણ એમણે મહેમાન કલાકાર તરીકે પણ મને કામ ન આપ્યું. સાચું કહું તો મને ડેવિડ ધવન સાથે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે આ રીતે ઉપેક્ષા થાય ત્યારે મને બહુ જ દુઃખ થાય છે. અત્યારે ટેલિવિઝનના એક ડાન્સ શોમાં જજ તરીકે દેખાતા કોંગ્રેસના આ ભૂતપૂર્વ સાંસદ ગોવિંદા ખાસ મિત્ર સલમાનખાનનાં વખાણ કરતા થાકતો નથી. ગોવિંદાએ કહ્યું જ્યારે કામ નહોતું મળતું એ દિવસોમાં સલમાન મારા ઘરે આવ્યો. એ વખતે હું કિચનમાં ચા બનાવતો હતો. સલમાને મને કોઈ દિવસ આ રૂપમાં જોયો જ નહોતો. તેણે ચાના વાસણ મારા હાથમાંથી છીનવીને ચિલ્લાઈને કહ્યું ચલો યહાં સે બહાર નીકલો... આપ કલાકાર હો, ચાય ઔર ખાના બનાને કે લિયે નહીં બને હો... સલમાન મને ક્યારેય પરાયો નથી લાગ્યો.ગોવિંદાએ કહ્યું હતું કે દરેક કલાકારની જિંદગીમાં ઉતાર-ચડાવ આવતા જ હોય છે લોકો મારી સાથે કામ ન કરે એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ અંગત જીવનમાંથી મારો કાંકરો જ કાઢી નાખે કે તો મને દુઃખ થાય છે.