ફિલ્મ ‘બોર્ડર’માં ભૈરવસિંહનું શક્તિશાળી પાત્ર ભજવનાર સુનીલ શેટ્ટીએ તાજેતરમાં એક રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે જ્યારે તેને આ ફિલ્મ ઓફર કરાઇ ત્યારે તેણે શરૂમાં તેને ફગાવી દીધી હતી. કારણ એ હતું કે તેણે ક્યાંક સાંભળ્યું હતું કે દિગ્દર્શક જે.પી. દત્તા ખૂબ જ ગુસ્સાવાળા વ્યક્તિ છે. યુટ્યૂબ ચેનલ પર વાત કરતાં સુનીલે કહ્યું ‘જો લોકો મને હંમેશા યાદ રાખશે, તો તે ફક્ત ‘બોર્ડર’ને કારણે હશે.’ જ્યારે જે.પી. દત્તાએ મને ફિલ્મની વાર્તા સંભળાવી, ત્યારે મને તે ખૂબ ગમી, પણ મેં હા ના પાડી. ખરેખર, કોઈએ મને કહ્યું હતું કે જે.પી. સર ખૂબ જ ગુસ્સાવાળા છે અને તેમની સાથે કામ કરવું મુશ્કેલ બનશે, તેથી મેં ના પાડી. જોકે મને ખબર નથી કે જે.પી. સરના મનમાં શું હતું, તેમણે સીધા જ મારા સાસુ સાથે વાત કરી અને કહ્યું કે મને સુનીલ જોઈએ છે તેમને મનાવો.’
સુનીલે એ પણ યાદ કર્યું કે ‘બોર્ડર’ રિલીઝ થયાના બે વર્ષ પછી જ્યારે 1999માં કારગિલ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તે સૈનિકોને મળવા કારગિલ પહોંચ્યો હતો. સુનીલ કહે છે કે ‘જ્યારે હું ત્યાં પહોંચ્યો, યુદ્ધના માહોલ વચ્ચે, વાતાવરણ ખૂબ જ ભારે હતું. ગોળીબારના અવાજ સંભળાઇ રહ્યા હતા, પણ સૈનિકોએ મને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. મેં એક ફોર્મ પર સહી કરી જેમાં લખ્યું હતું કે હું મારા પોતાના જોખમે જઈ રહ્યો છું અને પછી અમને બેઝ કેમ્પ પર લઈ જવામાં આવ્યા, જ્યાં ઉપર તોપમારો થઈ રહ્યો હતો.’