મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં શનિવારે મોડી રાતે રવિના ટંડનના ડ્રાઈવરે કાર રિવર્સમાં લેતાં વૃદ્ધાને ટક્કર માર્યાનો આક્ષેપ કરી એક પરિવાર સહિત અન્યઓ ભારે ધમાલ મચાવી હતી. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકોએ રવિનાના ડ્રાઈવર પર હુમલો કરતાં અને રવિના બચાવવા વચ્ચે પડતાં તેને પણ ઘેરી લઈ તેના પર હાથ ઉગામાયો હોવાનું અને રવિના પોતાને તથા ડ્રાઈવરને માર નહીં મારવા ચીસો પાડતી જોવા મળતી હતી. રવિના નશામાં હોવાનો આક્ષેપ પણ થયો હતો. બાદમાં સમગ્ર મામલો ખાર પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે ઘટનાના સીસીટીવી ફૂટેજમાં રવિનાની કાર વૃદ્ધાને સ્પર્શી હોવાનું પણ જણાયું ન હતું. પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ આદરી છે. આ બનાવમાં કોઈ એફઆઇઆર તો દાખલ કરાઇ નથી, પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ લેવાયાનું પોલીસે જણાવ્યું હતું. વીડિયોમાં દેખાતા વ્યક્તિએ કહ્યું કે ઘટના બની ત્યારે તે તેની માતા, બહેન અને ભત્રીજી સાથે રવિનાના ઘર પાસેથી જઈ રહ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિએ પીડિતાના પુત્ર હોવાનો દાવો કરતા આરોપ કર્યો હતો કે મારું નામ મોહમ્મદ છે. તેની માતા, બહેન, ભત્રીજી રવિનાના ઘર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કારના ડ્રાઈવરે તેને જોરથી ટક્કર મારી હતી. ત્યારબાદ રવિના ટંડન કારમાંથી બહાર આવી તે નશામાં હતી અને તેણે મારી માતાને માર માર્યો હતો.