ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરતાં કાશ્મીરની સ્થિતિમાં સ્ફોટક ફેરફાર થયાં છે. પર્યટકો તથા યાત્રાળુઓને સુરક્ષાના કારણોસર કાશ્મીરમાંથી પરત મોકલી દીધા છે.
કાશ્મીરની આ પરિસ્થિતિની કેટલીક ફિલ્મના શૂટિંગ પર વિપરીત અસર થઈ રહી છે. નજીકના ભવિષ્યમાં જે ફિલ્મોના શૂટિંગ કાશ્મીરમાં થવાના હતા તે હવે રઝળી પડયા છે. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનના જીવન પરની ફિલ્મ ‘શેરશાહ’માં અભિનય કરતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું કે, તેણે આ ફિલ્મના કેટલાક દૃશ્યોનું શૂટિંગ પાલમપુરમાં પૂરું કર્યું છે અને હવે કાશ્મીર તથા કારગિલના શિડયુલની પ્રતીક્ષા કરી રહ્યો છે. આલિયા ભટ્ટે અગાઉ ‘હાઇવે’ અને ‘રાઝી’ માટે કાશ્મીરમાં શૂટિંગ કર્યું હતું. હવે તેની આગામી ફિલ્મ માટે તે ત્યાં જવાની તૈયારીમાં હતી. જોકે સુરક્ષાવ્યવસ્થાના કારણોસર શૂટિંગની તારીખોમાં ફેરફાર થયાં હોવાની ચર્ચા છે. પોતાના પિતાના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં ઊંટીમાં ચાલુ છે. ત્યાર બાદ થોડા હિસ્સા માટે કાશ્મીર જવાનું હતું. જોકે આ પરિસ્થિતિમાં શૂટિંગ માટે થોભો અને રાહ જુઓનું સૂત્ર અપનાવાયું હોવાનું કહેવાય છે.